બ્રિટનમાં મુસ્લિમ બાળકોની સંખ્યા એક દાયકામાં બમણી

Monday 16th February 2015 05:59 EST
 
 

લંડનઃ બ્રિટનમાં મુસ્લિમ બાળકોની સંખ્યા એક દસકામાં બમણી થઈ હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. ઈસ્લામના અનુયાયીઓમાં ૧.૧ મિલિયનની વૃદ્ધિ સાથે બ્રિટનની સમાજ વ્યવસ્થાના તાણાવાણામાં અભૂતપૂર્વ બદલાવ આવ્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શાળાના ૧૨ વિદ્યાર્થીમાંથી એકનો ઉછેર મુસ્લિમ તરીકે થાય છે. પાર્લામેન્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ મુસ્લિમો આગામી સામાન્ય ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

૨૦૦૧માં મુસ્લિમ વસ્તી ૧.૧ મિલિયન હતી, જે ૨૦૧૧માં વધીને ૨.૭ મિલિયન થઈ હતી. જોકે, સત્તાવાર ડેટાના અભ્યાસમાં મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન જણાવે છે કે આગામી ઘણાં દાયકાઓ સુધી મુસ્લિમ વસ્તી વધતી જ રહેશે. નિષ્ણાતો કહે છે કે ઈમિગ્રેશન આધારિત વૃદ્ધિ ભૂતકાળ બની છે ત્યારે મુસ્લિમ વસ્તીમાં યુવાનોનું પ્રમાણ વધુ છે જે ભવિષ્યમાં સામાજિક વલણોથી માંડી વિદેશ નીતિ પર ગંભીર અસરો સર્જશે. બ્રિટિશ મુસ્લિમોનો અડધો હિસ્સો ૨૫ વર્ષથી નીચેનો અને ત્રીજો હિસ્સો ૧૫ વર્ષથી નીચેનો છે.

૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ધર્મને ધ્યાનમાં લેતાં બ્રિટનની ૫૬,૦૭૫,૯૧૨ની વસ્તીમાં ખ્રિસ્તીધર્મીઓ સૌથી વધુ એટલે કે ૩૩,૨૪૩,૧૭૫ (૫૯.૩ ટકા) છે અને બીજા ક્રમે ૨,૭૦૬, ૦૬૬ (૪.૮ ટકા)ની સંખ્યા સાથે મુસ્લિમો આવે છે. આ પછી હિન્દુ (૮૧૬,૬૩૩ - ૧.૫ ટકા), શીખ (૪૨૩,૧૫૮ - ૦.૮ ટકા), યહુદી (૨૬૩,૩૪૬ - ૦.૫ ટકા), બૌદ્ધ (૨૪૭,૭૪૩ - ૦.૪ ટકા), અન્ય ધર્મી (૨૪૦,૫૩૦ - ૦.૪ ટકા), ધર્મવિહીન (૧૪,૦૯૭,૨૨૯ - ૨૫.૧ ટકા), ધર્મ ન દર્શાવનારા (૪,૦૩૮,૦૩૨ - ૭.૨ ટકા) છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter