લંડનઃ ભારત અને પાકિસ્તાનના છ દિવસના પ્રવાસે આવેલા લંડનના મેયર સાદિક ખાને ૧૯૧૯માં બ્રિટિશરો દ્વારા જલિયાંવાલા બાગ હત્યાકાંડ બદલ બ્રિટિશ સરકાર દ્વારા અધિકૃત માફીની માગણી કર્યાના પગલે બાદ બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે બ્રિટને આ હત્યાકાંડને બ્રિટિશ ઇતિહાસની સૌથી શરમજનક ઘટના ગણાવી વખોડી કાઢ્યો હતો. જોકે, બ્રિટિશ સરકારે માફી માગી નથી.
સાદિક ખાને અમૃતસરની મુલાકાત વખતે જલિયાંવાલા બાગ મુદ્દે બ્રિટિશ સરકાર પાસે માફી માગવા માગણી કરી હતી અને જણાવ્યું હતું કે આ ઘટનાને ૧૦૦ વર્ષ થવા આવ્યા છે ત્યારે બ્રિટિશરો દ્વારા કરાયેલા આ હત્યાકાંડની બ્રિટિશ સરકારે માફી માગવી જોઈએ. મૂળ પાકિસ્તાની અને લંડનના મેયર સાદિક ખાને પંજાબની મુલાકાત દરમિયાન જલિયાંવાલા બાગ હત્યાકાંડને ઘાતકી ગણાવ્યો હતો. તેમણે જલિયાંવાલા બાગની મુલાકાત લઈ વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, બ્રિટિશ સરકાર વર્ષ ૧૯૧૯ના જલિયાંવાલા બાગ નરસંહાર માટે માફી માગે. સાદિક ખાને જલિયાવાલા બાગ નરસંહારમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
બ્રિટનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન કેમરને ૨૦૧૩માં જલિયાંવાલા બાગની મુલાકાત લઇ તે ઘટનાને સૌથી શરમજનક ગણાવી વખોડી હતી તે પૂરતું છે. કેમરને જણાવ્યું હતું કે, ભૂતકાળની વાતો વાગોળી બ્રિટીશ સંસ્થાનવાદીઓના ખોટા કામોની માફી માગવી જરુરી નથી. ઉલ્લેખનીય છે કે લંડનસ્થિત પંજાબી મૂળના વિરેન્દ્ર શર્મા જલિયાંવાલા બાગ હત્યાકાંડ મુદ્દે બ્રિટિશ સરકારે માફી માગવી જોઈએ તેવી માગણી સાથે ઝુંબેશ ચલાવે છે.