લંડનઃ ભારતીય હાઈ કમિશનર શ્રી રંજન મથાઈએ ‘ઈન્ડિયા મીટ્સ બ્રિટન’- ઈન્ડિયા ટ્રેકર ૨૦૧૫ની બીજી આવૃત્તિ લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં યુકેમાં કાર્યરત અગ્રણી ભારતીય બિઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેકર દર્શાવે છે કે ભારતીય કંપનીઓ બ્રિટિશ અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના સહયોગમાં ગ્રાન્ટ થોર્નટોન દ્વારા યુકેમાં કાર્યરત અને ઝડપી વૃદ્ધિ કરતા ભારતીય બિઝનેસીસ પર દેખરેખ રાખતું આ ટ્રેકર વિકસાવાયું છે. તેમાં દર્શાવાયું છે કે આ બિઝનેસીસના સંયુક્ત ટર્નઓવરમાં ગયા વર્ષે £૩ બિલિયનનો વધારો થયો છે, એટલે કે ૨૦૧૪માં £૧૯ બિલિયનનું ટર્નઓવર ૨૦૧૫માં વધીને £૨૨ બિલિયન થયું છે. યુકેમાં રોજગાર સર્જનને બજારમાં ભારતીય કંપનીઓની સફળતાથી ગતિ સાંપડી છે. ગયા વર્ષના ઈન્ડિયા ટ્રેકર પછી બ્રિટનમાં લોકોને રોજગાર આપતી ભારતીય કંપનીઓની સંખ્યામાં ૧૪ ટકા (૭૦૦થી વધીને ૮૦૦)નો વધારો થયો છે. યુકેમાં ભારતીય કંપનીઓ દ્વારા રોજગાર અપાયેલા લોકોની કુલ સંખ્યામાં ૧૦ ટકા (ગયા વર્ષે ૧૦૦,૦૦૦થી વધીને ૧૧૦,૦૦૦)નો વધારો થયો છે. યુકેમાં વેપાર કરતી ભારતીય કંપનીઓનું સાચુ મૂલ્ય તેમના દ્વારા કરાયેલા કરફાળાના ગ્રાન્ટ થોર્નટોનના વિશ્લેષણથી બહાર આવ્યું છે. સંશોધન અનુસાર ભારતીય માલિકીની કંપનીઓ સંયુક્તપણે અંદાજે અડધા બિલિયન પાઉન્ડનો યુકે કોર્પોરેટ ટેક્સ ચુકવે છે. જોકે, પેરોલ અને સેલ્સ ટેક્સ જેવાં વધારાના ટેક્સીસ ગણતરીમાં લેવાય ત્યારે કરફાળાનું કુલ મૂલ્ય ગણું વધી જાય છે.