લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટ સમગ્ર વિશ્વમાં ‘મધર ઓફ ઓલ ડેમોક્રસી’નું માનવંતુ સ્થાન ધરાવે છે. આ સ્થળેથી વિશ્વભરમાં લોકોને ડેમોક્રસીની મહાન પ્રેરણા પ્રાપ્ત થઈ છે. અત્યારે બ્રિટનમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા ૧૩ લાખથી પણ વધારે છે. આ દેશમાં જૈન પ્રજાએ પણ ધર્મના ઉચ્ચતર મૂલ્યોનો સારો એવો પ્રચાર કરેલો છે. આ મૂલ્યપ્રચાર અને પ્રસારના કાર્યમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) અને ‘વન જૈન’ સંસ્થાઓનો સિંહફાળો છે. આ સંસ્થાએ જૈન ધર્મને વિશ્વના ફલક પર મૂક્યો છે અને ખુબ જ મોટા પાયે કાર્ય કરી રહી છે.
તારીખ ૭ માર્ચ અને મંગળવારના દિને હાઉસ ઓફ કોમન્સમાં એક શાનદાર કાર્યક્રમમાં ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર જૈન્સના અગ્રણીઓ તેમજ હેરોના સાંસદ ગેરેથ થોમસની આગેવાની હેઠળ મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે પર્યાવરણ વિશેના પ્રવચનો અને જૈન લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરાયો હતો.
‘વીફોરેસ્ટ’ ના અગ્રણી બિલ લીયાઓ દ્વારા પર્યાવરણ વિષે સુંદર અને મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું. લિયાઓની સાદી પણ મહત્ત્વપૂર્ણ ફિલોસોફી એવી છે કે પર્યાવરણની રક્ષા અર્થે માનવજાતે વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો રોપવા જોઈએ. એમણે પોતે લાખો વૃક્ષો રોપ્યા છે અને રોપાવ્યા છે અને તેમણે પ્રતિજ્ઞા લીધી છે કે બીજા દસ લાખ વૃક્ષો તેમના દ્વારા ઉગાડવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ હવાઈ મુસાફરી કરશે નહિ.
આ વિષયના બીજા વક્તા સતીષકુમારજી હતા. સતીષકુમાર વર્ષો પહેલા તો જૈન સાધુ હતા પણ હાલ બ્રિટનમાં રહે છે અને પર્યાવરણ વિષે અભિયાન ચલાવે છે. આ ક્ષેત્રે તેઓનું અનેરું પ્રદાન છે અને માનવંતુ સ્થાન ભોગવે છે. તેમણે પણ સુંદર રજૂઆત કરી હતી. આ પછી, નવનાતના પ્રમુખ ધીરુ ગલાનીએ પોતાની સંસ્થામાં ઉર્જાનો બચાવ કરવા લીધેલાં પગલાં પર સારો પ્રકાશ ફેંક્યો હતો.
મેહુલ સંઘરાજકાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અધ્યક્ષસ્થાનેથી નેમુભાઇ ચંદરિયાએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી અને ‘વન જૈન’ વિષે પ્રકાશ પાડ્યો હતો. અન્ય વક્તાઓમાં લોર્ડ પોપટ, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ ન્યૂઝવિક્લીઝના તંત્રી સી.બી પટેલ, સાંસદ બૉબ બ્લેકમેન, સાયન્સ મ્યુઝિયમના ડિરેક્ટર વગેરેનો સમાવેશ થયો હતો.
આ પછી સમગ્ર કાર્યક્રમના બીજા અગત્યના ભાગરૂપે મહેશ ગોસરાનીએ સર્વ પ્રથમ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે આ સર્વ પ્રથમ એવોર્ડ મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ અને પ્રસિદ્ધ લેખક વિનોદ કપાસીને આપવામાં આવે છે. પાર્લામેન્ટના આ સભાગૃહમાં ઉપસ્થિત ૨૦૦ જેટલા ભાઈ બહેનોએ આ જાહેરાતને ઉભાં થઈને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. નેમુભાઇ ચંદરિયા અને ગેરેથ થોમસના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો. વિનોદ કપાસીએ એવોર્ડ બદલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી અને ‘વન જૈન’ નો આભાર માનીને પોતાના બાળપણ અને સાદાઈસભર જીવનશૈલી પર બે શબ્દો કહ્યા હતા.
આ પ્રસંગે વિનોદભાઈ કપાસીએ પોતાનું નવું પ્રકાશિત પુસ્તક ‘ જૈન ધર્મ જ્ઞાન સાગર’ નેમુભાઈને અર્પણ કર્યું હતુ. ઓશવાળ એસોસિએશનના પ્રમુખ તુષારભાઈએ આ વિશે બે શબ્દો કહીને વિનોદભાઈની પ્રસંશાના પુષ્પો વેર્યા હતા. અનેક ધાર્મિક સીડી અને ડીવીડી પ્રસિદ્ધ કરનારાં નીલાબહેન અશોક શાહે પોતાની સુંદર સી ડી ‘મહાવીર’ વિનોદભાઈને અર્પણ કરી હતી. કાર્યક્રમમાં લંડન એસેમ્બલી સભ્ય નવીનભાઈ શાહ અને હેરોના મેયર શ્રીમતી રેખાબહેન શાહ પણ ઉપસ્થિત હતાં. અંતમાં કુમાર મહેતાએ સહુનો આભાર માનવા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.