લંડનઃ વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડની નિવાસી અને પાકિસ્તાનના પંજાબના પાંડોરી ગામે મૃત્યુ પામેલી ૨૮ વર્ષીય બ્રિટિશ બ્યુટી થેરાપિસ્ટ સામિયા શાહિદના બીજા પતિ સઈદ મુખ્તાર કઝામે દાવો કર્યો છે કે પરિવાર બહારની વ્યક્તિ સાથે પરણવા બદલ તે ‘ઓનર કિલિંગ’નો શિકાર બની છે. શાહિદના મૃત્યુના કારણ અંગે વિવાદ ઉભો થયો છે. જોકે, સામિયાના પરિવારે આક્ષેપો નકારી કાઢ્યા છે.
દુબઈમાં તેની સાથે રહેતા કઝામે જણાવ્યું હતું ,‘મને ચોક્કસ ખાતરી છે કે તેના પરિવારે જ શાહિદની હત્યા કરી છે. તે સંપૂર્ણ સ્વસ્થ હતી. તેના પેરન્ટ્સ અમારા લગ્નથી ખુશ ન હતા.’ લીડ્ઝ ટાઉનહોલમાં સપ્ટેમ્બર, ૨૦૧૪માં તેમના લગ્ન થયા હતા. કઝામે જણાવ્યું હતું કે એક કુટુંબીએ તેને હાર્ટ એટેક આવ્યાનું, જ્યારે બીજાએ અસ્થમાનો હુમલો થયાનું કહ્યું હતું. શાહિદના પિતાએ જણાવ્યું હતું કે કઝામના દાવા અને આક્ષેપો ખોટા છે. શાહિદ તેની મરજીથી જ પાકિસ્તાન આવી હતી અને પરિવારનું તેના પર કોઈ દબાણ નહોતું.
દરમ્યાન, બ્રેડફોર્ડ વેસ્ટના લેબર પાર્ટીના સાંસદ નાઝ શાહે જણાવ્યું હતું કે શાહિદના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા નહીં મળે તો તેઓ મૃતદેહને બહાર કાઢીને ફરી તપાસની માગણી ચાલુ રાખશે.
માત્ર અખ્તર તરીકે પોતાની ઓળખ આપતા શાહિદના મામાએ જણાવ્યું હતું કે કઝામને શાહિદ માટે માન નથી એટલે તે અખબારોમાં ચર્ચા કરી રહ્યા છે. શાહિદનો પહેલો પતિ મોહમ્મદ શકીલ ૨૦૧૨માં પાંડોરીમાં લગ્ન બાદ બ્રિટનમાં તેની સાથે રહેવા ગયો ન હતો. શાહિદ જ તેને મળવા પાકિસ્તાન જતી હતી.