લંડનઃ મેયર સાદિક ખાને પાકિસ્તાનની સ્વતંત્રતાના ૭૦ વર્ષ નિમિત્તે લંડન સ્થિત બ્રિટિશ મ્યુઝિયમમાં મોહમ્મદ અલી ઝીણાની કાંસાની અર્ધ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે યુકે ખાતેના પાકિસ્તાનના હાઈ કમિશનર સૈયદ ઈબ્ને અબ્બાસ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અનાવરણ બાદ કાંસ્ય શિલ્પને લિંકન્સ ઈનમાં લઈ જવાયું હતું અને હવે તે ત્યાં જ રહેશે. ઝીણા ૧૮૯૩માં કાયદા શાખાના અભ્યાસ માટે યુકે આવ્યા હતા ત્યારે લિંકન્સ ઈનમાં ઝીણાને બેરિસ્ટર તરીકે તાલીમ આપવામાં આવી હતી.
મેયરે અનાવરણની તસવીરો ટ્વીટર પર પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે મોહમ્મદ અલી ઝીણાના સન્માનમાં તેમની કાંસાની અર્ધપ્રતિમાનું અનાવરણ કરતા તેઓ ગૌરવ અનુભવે છે. સ્કોટલેન્ડમાં જન્મેલા શિલ્પકાર ફિલિપ જેક્સને આ અર્ધપ્રતિમા તૈયાર કરી હતી.