લંડનઃ મહાનગરની આગવી ઓળખસમાન વિખ્યાત ધ બ્રિટિશ મ્યુઝિયમમાં આદિકાળ આધારિત અનોખું પ્રદર્શન આગામી દિવસોમાં યોજાવાનું છે. પ્રદર્શનના કેન્દ્રમાં છે પૌરાણિક સમયના સ્ત્રીઓના દેવી અને રાક્ષસી સ્વરૂપો તેમજ તેની સાથે સંકળાયેલી માન્યતાઓ અને કથાનકો. સ્ત્રીશક્તિના પૌરાણિક આધ્યાત્મિક સ્વરૂપો પર કોઈ પ્રદર્શન યોજાયું હોય તેવી બ્રિટિશ મ્યુઝિયમની સૌપ્રથમ ઘટના હશે. આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારની 70 વસ્તુઓ મૂકીને આ સ્વરૂપોની સમજ આપવામાં આવશે, જેમાં મા કાલીના સ્વરૂપનો સમાવેશ કરાયો છે તો સાથોસાથ દૈત્યા તાડકાના સ્વરૂપનો પણ સમાવેશ કરાયો છે. આ વસ્તુઓની વિગતો નીચે પ્રમાણે છે.
હિન્દુ પુરાણોમાં કાલીમાતાનો સમાવેશ વિનાશ અને મુક્તિના દેવી તરીકે કરવામાં આવે છે. રાક્ષસોના સંહાર અને નિર્દોષોની રક્ષા કરનારું આ દૈવી સ્વરૂપ તેમના અનુયાયીઓને સુખાકારી તરફ લઈ જાય છે. સ્ત્રીશક્તિના સંદર્ભમાં ઉલ્લેખ પામતાં રૂપને ઉજાગર કરતી પ્રતિમા ભારતના શિલ્પકાર કૌશિક ઘોષે 2002માં બનાવી હતી.
આફ્રિકા ખંડ અને મુખ્યત્વે મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ આફ્રિકામાં મામી વાટા નામનાં દેવીને સમુદ્રી દેવી કે જળ દેવી માનવામાં આવે છે. સમુદ્રમાં મર્મેઈડ પ્રકારની માછલી તરીકે રહેલાં આ દેવી સ્વાસ્થ્ય અને સંપત્તિના સૂચક હોવાની માન્યતા છે. વર્ષ 1900ની શરૂઆતમાં નાઈજિરિયામાં લાકડા અને ધાતુ પરથી બનાવીને રંગ કરાયેલું આ શિલ્પ પ્રદર્શનમાં જોવા મળશે.
ભારતીય કલાકાર કાજલ દત્તાએ 1994માં દૈત્યા તાડકાને ક્રોધને પ્રદર્શિત કરતો મુખવટો બનાવ્યો હતો. રામાયણમાં ઉલ્લેખ પામેલી આ દૈત્યા અંગેની માન્યતાનો પણ પ્રદર્શનમાં સમાવેશ થશે.
ગ્રીક પુરાણોમાં સર્સી નામની મનમોહન સ્ત્રીનો ઉલ્લેખ છે. તેનું સ્વરૂપ દૈવી હતું કે દૈત્ય તે અંગે અલગ-અલગ મતો છે. સૂર્ય ભગવાનનાં પુત્રી તરીકે ઓળખાતી આ સ્ત્રી તેના રૂપ અને મોહક સ્વભાવથી લોકોને આકર્ષતી હોવાનું કથાનક છે અને જે લોકો તેને પસંદ ન કરે તેને તે પશુઓમાં પરિવર્તિત કરતી હતી. 1891માં ઓઈલ પેઈન્ટ કરાયેલું આ પેઈન્ટિંગ પણ પ્રદર્શનમાં મૂકાશે.