લંડનઃ બ્રિટનમાં ગુરુવારે યોજાનારી સામાન્ય ચૂંટણી ઇન્ડિયન ફ્લેવરના કારણે ચર્ચામાં છે. બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરન મૂળ ભારતીયો સહિતના બ્રિટિશ એશિયન મતદારોને રીઝવવા હિન્દીમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. ભારતમાં ગત વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ‘અબ કી બાર મોદી સરકાર’ સૂત્ર આપ્યું હતું તેના પગલે કેમરનની પાર્ટીએ ‘ફિર એક બાર કેમરન સરકાર’નો નારો આપ્યો છે. મોદીની માફક થ્રી-ડી પ્રચારસભાઓ યોજવાની પણ કેમરનની વિચારણા છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ ‘આસમાન નીલા હૈ’ નામનું હિન્દી ગીત પણ લોન્ચ કર્યું છે. ભારતીય મૂળના ઉદ્યોગપતિ જી. પી. હિન્દુજાએ કહ્યું હતું કે ભારતીયો અન્ય લોકોની જેમ મત નથી આપતાં. તેઓ સારું ડીલ આપી શકે તેવા પક્ષને મત આપે છે. બિનનિવાસી ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલે જણાવ્યું હતું કે પક્ષો મત મેળવવા માટે આખરી પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય લોકો જે પક્ષ ઉપર પસંદગીનો કળશ ઢોળે છે તે તમામ લોકો માટે ઉત્તમ હોય છે. અત્યાર સુધી લેબર પાર્ટીનો રેકોર્ડ સારો છે, હાલમાં કેમરનને મદદની જરૂર છે. દરેક રાજકીય પક્ષોના નેતાઓએ છેલ્લી ઘડીનો ચૂંટણીપ્રચાર ચલાવ્યો હતો અને મતદારોને રીઝવવાની કોઈ તક છોડી ન હતી.
તાજા સર્વેના દાવા અનુસાર યુકેની જનતાએ ૩૫-૩૫ ટકા સાથે લેબર અને કન્ઝર્વેટિવ પાર્ટી પર સરખી પસંદગી ઉતારી છે. એટલે કે બંને પાર્ટી વચ્ચે જોરદાર જંગ છે. જોકે, ડેવિડ કેમરનની લોકપ્રિયતા લેબર પાર્ટીના એડ મિલિબેન્ડ કરતા વધુ છે. ૫૧ ટકા મતદાર કેમરનને પસંદ કરતા હોવાનું સર્વે જણાવે છે. ગત ગઠબંધનમાં મહત્ત્વની સાબિત થયેલી ત્રીજી પાર્ટી લેબર ડેમોક્રેટનું પણ વર્ચસ્વ વધી રહ્યું છે. એડ મિલિબેન્ડની આગેવાની હેઠળ વિપક્ષ લેબર પાર્ટી સહિત અન્ય પક્ષોએ પણ ભારતીય સમુદાયને રીઝવવામાં કોઇ કસર છોડી નથી. પ્રચારકો બ્રિટનના તમામ ગુરુદ્વારા અને મંદિરોમાં ફરી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને ભારતીય મૂળના અને લેબર પાર્ટીના સાંસદ કિથ વાઝ માટે પ્રચાર કર્યો હતો. તેઓ લેસ્ટર મતક્ષેત્રમાં ઉમેદવાર છે, જ્યાં ભારતીય મૂળનાં લોકો વધુ રહે છે. કન્ઝર્વેટિવ પાર્ટીનો ભારતીય મૂળના સૌથી વધુ ૧૨ ઉમેદવારને ટિકિટ આપવાનો નિર્ણય તેને લાભ કરાવી શકે છે.
કેમરનનું અંગત રેટિંગ અને ટોરીઝનો ઉત્સાહ વધ્યા
ડેવિડ કેમરનનું અંગત રેટિંગ ૨૦૧૨ પછી સૌથી ઊંચા ૪૬ ટકાના સ્તરે પહોંચ્યું છે, જે પખવાડિયા અગાઉ ૩૯ ટકા હતુ. લંડન ઈવનિંગ સ્ટાન્ડર્ડ માટે ઈપ્સોસ મોરીના તાજા પોલ અનુસાર એક પખવાડિયામાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરસાઈ બે પોઈન્ટના વધારા સાથે ૩૫ પોઈન્ટ પર પહોંચી છે, જ્યારે લેબર પાર્ટી પાંચ ટકા ઘટાડા સાથે ૩૦ ટકા સુધી રહોંચી ગઈ છે. Ukipને ટેકો ૧૦ ટકા પર યથાવત રહ્યો છે, જ્યારે લિબ ડેમ એક પોઈન્ટના વધારા સાથે ૮ ટકા પર ગ્રીન પાર્ટીની લગોલગ રહેલ છે. પોલના તારણો કહે છે કે ૬૫ ટકા બ્રિટિશરોએ કોને વોટ આપવો તેનો નિર્ણય લઈ લીધો છે અને ૩૪ ટકાએ તેમનો મત બદલાઈ શકે છે તેમ કહ્યું છે.
સામાન્ય ચૂંટણી અગાઉના એશક્રોફ્ટ નેશનલ પોલ (ANP) ઓપિનિયન પોલે ટોરી પાર્ટીનો ઉત્સાહ વધારી દીધો છે. આ પોલમાં ડેવિડ કેમરનની તરફેણમાં છ પોઈન્ટની ભારે સરસાઈ ટોરી પાર્ટીને મળી છે. હાલ એવું વાતાવરણ પ્રવર્તે છે કે હાઉસ ઓફ કોમન્સમાં ટોરીઝને સંપૂર્ણ બહુમતી નહિ મળે અને ત્રિશંકુ સંસદની પરિસ્થિતિ સર્જાશે. જોકે, ૧,૦૦૦ મતદારોના ટેલિફોન સર્વેના અભિપ્રાયોએ દર્શાવ્યું છે કે આ વ્યાપક માન્યતા ખોટી પડશે અને કન્ઝર્વેટિવ પાર્ટીને પાતળી બહુમતી મળશે. ANPના આંકડા કહે છે કે ટોરી પાર્ટીને બે પોઈન્ટના વધારા સાથે ૩૬ પોઈન્ટ મળ્યા છે, જ્યારે લેબર પાર્ટીની સ્થિતિ ૩૦ ટકા પર યથાવત રહી છે. લિબ ડેમોક્રેટ્સનો એક પોઈન્ટ ઘટી નવ ટકા, Ukipના બે ટકા ઘટી ૧૧ ટકા અને ગ્રીન પાર્ટીના ત્રણ ટકા ઘટી સાત ટકા થયા હતા. જો ગુરુવારે થનારી ચૂંટણીમાં આ મુજબનો જ મતહિસ્સો રહેશે તો કેમરનને કોમન્સમાં બે બેઠકની પાતળી બહુમતી મળે તેવી ગણતરી મંડાય છે.
ચાઈલ્ડ બેનિફિટ્સમાં કાપ નહિ મૂકવા કેમરનની જાહેરાત
વડા પ્રધાન કેમરનને ચાઈલ્ડ બેનિફિટ્સમાં કાપ નહિ મૂકાય તેવી જાહેરાત કરવા ફરજ પડી છે. ગુરુવારે બીબીસીના ક્વેશ્ચન ટાઈમ કાર્યક્રમમાં લોકો દ્વારા વારંવાર આ મુદ્દે સ્પષ્ટતા માગવામાં આવી હતી. ટોરી મિનિસ્ટર્સ ઘણાં સપ્તાહથી આ મુદ્દો ટાળતા હતા. વેલ્ફેર સેવિંગ્સની £૧૨ બિલિયનની રકમ ક્યાંથી આવશે તેવો પ્રશ્ન કેમરનને પૂછાયો હતો. લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા લીક કરાયેલા ડોક્યુમેન્ટ્સમાં સરકારે ચાઈલ્ડ બેનિફિટ્સમાં કાપ મૂકવાનું ત્રણ વર્ષ અગાઉ વિચાર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઊંચી કમાણી કરનારા માટે ચાઈલ્ડ બેનિફિટ્સ અટકાવનારા વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમણે ત્રણ વર્ષ અગાઉ જ વધુ કાપ ફગાવી દીધા હતા. ચૂંટણી પછી ચાઈલ્ડ બેનિફિટ્સ અને ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટમાં કાપ મૂકાશે તેવા પ્રશ્નમાં કેમરને કહ્યું હતું કે હું તેમ નહિ કરું. વેલ્ફેર બજેટમાં અન્ય કાપ મકવા છતાં તેમની સરકારે ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટમાં £૪૫૨ સુધીનો વધારો કર્યો હતો.
પાંચ વર્ષ ટેક્સ નહિ વધે અને સરકારી પેન્શન વધશેઃ કેમરનની ખાતરી
વડા પ્રધાન ડેવિડ કેમરને તેમના પક્ષ દ્વારા આગામી પાંચ વર્ષમાં વેટ, નેશનલ ઈન્સ્યુરન્સ અથવા ઈન્કમટેક્સ દરોમાં કોઈ વધારો કરવામાં નહિ આવે તેવી મતદારોને ખાતરી આપી છે. આ ખાતરીને તેઓ કાનૂની સ્વરૂપ આપશે, જે ભાવિ કન્ઝર્વેટિવ સરકારને કર વધારતા અટકાવશે તેમ તેમણે જાહેર કર્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં પેન્શનરોનું સરકારી પેન્શન વધીને વાર્ષિક £૬,૯૯૯ થશે, એટલે કે આશરે £૧૦૦૦નો વધારો થશે. હાલ બેઝિક સરકારી પેન્શન £૬,૦૨૯ છે. કેમરને કહ્યું હતું કે મતદારો સમક્ષ સ્પષ્ટ પસંદગી છે. તેમણે રાજકારણનો પ્રથમ સિદ્ધાંત યાદ રાખવો જોઈશે કે લેબર પાર્ટી ટેક્સીસ વધારશે, જ્યારે ટોરી પાર્ટી તેમાં કાપ મૂકવા કટિબદ્ધ છે. બીજી તરફ, આ ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝે લેબર પાર્ટીના મુખ્ય ટેક્સ પ્લાન્સની સખત ટીકા સાથે ચેતવણી આપી છે કે તેનાથી ઘણાં ઓછાં નાણાં મળશે અને મહત્ત્વાકાંક્ષા અવરોધાશે.
સ્કોટિશ અવાજ વિનાની કોઈ પણ સરકાર ગેરકાયદે
સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા નિકોલા સ્ટર્જને વડા પ્રધાન કેમરનને મહેણું મારવા સાથે સ્કોટિશ સાંસદો વિનાની સરકારની કાયદેસરતા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે બ્રિટનના સંચાલનમાં સ્કોટિશ અવાજ ધ્યાનમાં લેવો જ પડશે તેવી ચેતવણી પણ આપી હતી. સ્ટર્જને કન્ઝર્વેટિવ પાર્ટીને સત્તાની બહાર રાખવા અને લેબર પાર્ટીને પ્રામાણિક રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. ટોરી પાર્ટી સાથે કોઈ પણ સોદાબાજીનો સ્ટર્જને સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ચૂંટણીમાં મતદાન પૂર્ણ થવાના ગણતરીના કલાકોમાં જ એડ મિલિબેન્ડના નેતૃત્વમાં લેબર પાર્ટીની સરકાર કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરવા સ્કોટિશ નેશનાલિસ્ટ્સની એક ટીમ લંડન રવાના થશે. જો SNPના હાથમાં સત્તાની સમતુલા આવશે તો લેબર પાર્ટી સાથેની ચર્ચાનું વડપણ સ્ટર્જન જ સંભાળશે. સ્કોટલેન્ડના ૫૦ ટકાથી વધુ મતદાર SNPની તરફેણ કરે તેવું મનાય છે. આ સ્થિતિમાં પાર્ટી ૫૦થી ૫૯ બેઠક મેળવે તેવી આશા છે. યુકેની અગાઉની કોઈ સામાન્ય ચૂંટણીમાં ન હતો તેવો સ્કોટલેન્ડનો અવાજ આ વખતે સંભળાશે.
સમાધાન ન થાય તો લેબરનું બજેટ અટકાવાશેઃ સ્ટર્જન
સ્કોટિશ નેશનલ પાર્ટી- SNP અને તેના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા હોય તેવું વર્તન છે. બીબીસી સ્કોટલેન્ડના ક્વેશ્ચન ટાઈમ સ્ટાઈલના કાર્યક્રમમાં સ્ટર્જને રીતસરની ધમકી આપી છે કે જો લેબર- SNP ગઠબંધન ન થાય તો ચૂંટણીમાં લેબર જીતે તેવી પરિસ્થિતિમાં સમાધાનની ગેરહાજરીમાં બજેટ પસાર નહિ થવા દેવાય. બીજી તરફ, જરૂર પડે ત્યારે SNP ના મતની વ્યવસ્થા ગોઠવવાની પણ વાત ચાલી રહી છે. SNP આગામી પાર્લામેન્ટના કાર્યકાળમાં વધારાના £૧૪૦ બિલિયન ખર્ચવા સાથે ટોરી-લિબ ડેમની કરકસર નીતિનો અંત લાવવા માગે છે. તાજેતરમાં જ સ્ટર્જનના પુરોગામી નેતા એલેક્સ સાલમન્ડે તેઓ લેબર પાર્ટીનું બજેટ તૈયાર કરતા હોવાની બડાશ મારી હતી. પૂર્વ હોમ સેક્રેટરી ડેવિડ બ્લન્કેટે સ્વીકાર્યું છે કે સ્કોટલેન્ડમાં SNPનો ઘોડો આગળ હોવાથી લેબર પાર્ટી બહુમતી મેળવી નહિ શકે. સ્કોટિશ પાર્ટીની તરફેણમાં ભારે વધારો થવાથી ચૂંટણીમાં સ્પષ્ટ વિજયની લેબર પાર્ટીની આશા ભાંગી પડી છે. STV ન્યૂઝ માટે ઈપ્સોસ મોરીના પોલ અનુસાર સ્કોટિશ નેશનાલિસ્ટ્સને ૫૪ ટકા ટેકો મળ્યો હતો, જ્યારે સ્કોટિશ લેબર પાર્ટીને ટેકો ઘટીને ૨૦ ટકાએ પહોંચ્યો છે.
વડા પ્રધાનપદનું બલિદાન આપવા તૈયાર, SNPસાથે ગઠબંધન નહિઃ મિલિબેન્ડ
લેબર નેતા એડ મિલિબેન્ડે SNP સાથે ગઠબંધન સાધવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. ક્વેશ્ચન ટાઈમમાં તેમણે કહ્યું હતું કે તેમણે વડા પ્રધાન તરીકે દેશના સંચાલનની તક ગુમાવવી પડે તો પણ આવા ગઠબંધનને તેઓ ફગાવી દેશે. તેમણે સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટીની માગણીઓ સામે ઝૂકવા ઈનકાર કર્યો હતો. જોકે, લઘુમતી સરકારમાં મહત્ત્વની દરખાસ્તો પસાર કરાવવા તેઓ સ્કોટિશ પાર્ટીના સાંસદોનો સહકાર લેશે કે નહિ તે બાબતે તેમણે કશું સ્પષ્ટ કર્યું નથી. નિકોલા સ્ટર્જનની પાર્ટીને સ્કોટલેન્ડમાં ૫૦થી વધુ બેઠક મેળવશે અને ૪૧ સાંસદ ધરાવતી લેબર પાર્ટીનો રકાસ થશે તેવી આગાહી છે.
ચૂંટણી પછી NHS ના ફેરફારોની ગુપ્ત ટોરી યોજનાઃ મિલિબેન્ડ
લેબર નેતા એડ મિલિબેન્ડે ટોરી ઉમરાવ અને માર્ક્સ એન્ડ સ્પેન્સરના પૂર્વ વડા સ્ટુઅર્ટ રોસનો NHS અંગે રિપોર્ટ શા માટે પ્રસિદ્ધ કરાયો નથી તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. આ રિપોર્ટ ડિસેમ્બરમાં જ ટોરી પાર્ટીના હાથમાં આવી ગયો છે, જે અભરાઈએ ચડાવી દેવાયાનું મનાય છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ટોરી પાર્ટી ચૂંટણી પછી NHSના બ્યૂરોક્રેટ્સમાં વધુ એક ફેરફારની ગુપ્ત યોજના ધરાવે છે. આ રિપોર્ટ આરોગ્ય સેવાઓના કોન્ટ્રાક્ટ્સ નહિ, પરંતુ તેની જટિલ બ્યુરોક્રસી વિશે છે. લોર્ડ રોસ NHSના વર્તમાન સંચાલન માળખાના ટીકાકાર હોવાનું જાણીતું છે. પૂર્વ હેલ્થ સેક્રેટરી એન્ડ્ર્યુ લાન્સ્લીએ દાખલ કરેલા સુધારાના કારણે નોકરશાહી વધુ વણસી હોવાનું કહેવાય છે. શેડો હેલ્થ સેક્રેટરી એન્ડીબર્નહામે જણાવ્યું છે કે લોર્ડ રોસ સુપરમાર્કેટ્સના સંચાલનમાં નિષ્ણાત હશે, પરંતુ આપણે સુપરમાર્કેટ આરોગ્ય સેવાની જરૂર નથી.
ભારતીય મૂળના ઉમેદવારને યહૂદીવિરોધી ટિપ્પણી નડી
સામાન્ય ચૂંટણીના પ્રચારમાં યહૂદીઓની વિરુદ્ધમાં ટિપ્પણી કરવાનું ભારતીય મૂળના ઉમેદવારને ભારે પડ્યું છે. ભારતીય મૂળના જેક સેન ડાબેરી યુકે ઇન્ડિપેન્ડેન્ટ પાર્ટી (Ukip)ની ટિકિટ પર વેસ્ટ લેન્કેશાયર મતક્ષેત્રમાં ઉમેદવાર હતા. તેમણે સાઉથ આફ્રિકન વેબસાઈટ સાથે મુલાકાતમાં એડ મિલિબેન્ડ પર આકરા પ્રહારો કરવા સાથે કહ્યું હતું કે તેઓ પશ્ચિમનો નાશ કરવા ઈચ્છુક કલંકિતો સાથે સંકળાયેલા છે. Ukip)ના નેતા નાઈજેલ ફરાજે આ વિશે માફી માગી હતી. સેને લેબર પાર્ટીની લિવરપૂલ વેવરટ્રી બેઠકની યહૂદી ઉમેદવાર લુસિયાના બર્ગરની વિરુદ્ધમાં પણ ઘણી ટિપ્પણી કરી હતી. લુસિયાનાએ કહ્યું કે ટિપ્પણીઓ યહૂદીવિરોધી છે. સેનની યહૂદીવિરોધી ટિપ્પણીથી સર્જાયેલા વિવાદમાં પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. જેક સેનના દાદા બ્રિટિશ શાસનના સમયે બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં ડોક્ટર હતા, જેઓ બ્રિટન આવી ગયા હતા.
સરકારની સોલ્ટ પોલિસી પીછેહઠનું મોટું પગલું
ગઠબંધન સરકારની સોલ્ટ પોલિસી જાહેર આરોગ્ય પોષણના મુદ્દે પારોઠનું મોટું પગલું હોવાની ટીકા કરાઈ છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ વિશ્લેષણ રિપોર્ટ અનુસાર સોલ્ટ રીડક્શન રણનીતિના પરિણામે સ્ટ્રોક અને હાર્ટ એટેકથી થતાં ૬,૦૦૦ જેટલાં મૃત્યુ અટકાવી શકાયાં હોત. આરોગ્ય નિષ્ણાતોએ દાવો કર્યો છે કે અગાઉ સફળ રહેલી સોલ્ટ રીડક્શન રણનીતિની પ્રગતિ તત્કાલીન હેલ્થ સેક્રેટરી એન્ડ્ર્યુ લેન્સલીના સુધારાએ અટકાવી દીધી છે.
લેબરના રેન્ટ કન્ટ્રોલ પ્લાન સામે વિરોધ
સામાન્ય ચૂંટણીમાં વિજય પછી ફૂગાવા ઉપરના ભાડાવધારા પર પ્રતિબંધ લાદવાની લેબર પાર્ટીની યોજનાનો મકાનમાલિકોએ ભારે વિરોધ કર્યો છે. મકાનના પુરવઠાની કટોકટી અને ખાનગી ભાડાં સેક્ટર પર દબાણોનું નિરાકરણ લાવવા લેબર પાર્ટીના નેતા એડ મિલિબેન્ડે ૨૦૧૪માં હાઉસિંગ માર્કેટ નીતિઓના ભાગરૂપે સૂચવેલાં પગલાંની વિગતો બહાર પડાઈ છે. લેબર પાર્ટી વર્તમાન છ મહિનાની ટેનન્સીના ધોરણના સ્થાને ત્રણ વર્ષની ટેનન્સીને કાનૂની સ્વરૂપ આપવા માગે છે. જોકે, મકાનમાલિક અથવા ભાડૂત છ મહિના પછી વધુ અઢી વર્ષના કરાર માટે તૈયાર ન હોય તો કરારનો અંત લાવી શકે તેવો વિકલ્પ પણ મળશે. ત્રણ વર્ષ સુધી ભાડાં પર મર્યાદા રહેશે જેથી કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ફ્લેશનથી વધુ વધારો કરી શકાશે નહિ. નેશનલ લેન્ડલોર્ડ્સ એસોસિયેશનના ચીફ એક્ઝીક્યુટિવ રિચાર્ડ લેમ્બર્ટે કહ્યું હતું કે આ નીતિથી હાઉસિંગ કટોકટી વધી જશે. આ દરખાસ્તોમાં રેન્ટલ માર્કેટના અર્થકારણની સમજનો અભાવ છે.
------------
બ્રિટિશ પાર્લામેન્ટ- વર્તમાન સ્થિતિ
કન્ઝર્વેટિવ્ઝ - ૩૦૭
લેબર પાર્ટી- ૨૫૮
લિબરલ ડેમોક્રેટ્સ- ૫૭
અન્ય- ૨૮
કુલ...... ૬૩૨ બેઠક
----------------
મુસ્લિમ પ્રભુત્વ- ૧૫૯ બેઠક
હિન્દુ પ્રભુત્વ- ૫૧ બેઠક
બૌદ્ધ પ્રભુત્વ- ૧૫ બેઠક
યહૂદી પ્રભુત્વ- ૧૩ બેઠક