લંડનઃ કેલાઈસથી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને યુકેમાં ઘુસાડવા માટે નાણાકીય મુશ્કેલી અનુભવતા બ્રિટિશ વિદ્યાર્થીઓ, બારમાલિકો અને દુકાનદારોનો ઉપયોગ લોકોની હેરફેર કરતી ગેન્ગ્સ દ્વારા કરાતો હોવાનો આક્ષેપ ફ્રેન્ચ સત્તાવાળાએ લગાવ્યો છે. ફ્રેન્ચ બંદરે આ પ્રવૃતિમાં પકડાતી ચાર વ્યક્તિમાં એક બ્રિટિશર હોવાનું ફ્રેન્ચ પ્રોસિક્યુટરે જણાવ્યું છે. ગયા વર્ષે આ અંગે ૧૦૦ બ્રિટિશરને જેલ કરાઈ હોવાનું ફ્રેન્ચ અધિકારીએ જણાવ્યું હતું.
ફ્રેન્ચ પ્રોસિક્યુટરે જણાવ્યું છે કે લોકોની હેરફેર કરતા ક્રિમિનલ્સે નવી વ્યૂહરચના અપનાવી છે, જે મુજબ નાણાકીય મુશ્કેલી અનુભવતા બ્રિટિશ વિદ્યાર્થીઓ સહિત લોકોને પ્રવાસી તરીકે ફ્રાન્સમાં આવવા અને તેમની કારમાં ગેરકાયદે ઈમિગ્રન્ટને યુકેમાં લઈ જવા લલચાવી એક ટ્રીપના £૩,૦૦૦ સુધીની રકમ અપાય છે. કેલાઈસથી લોરી ડ્રાઈવરો દ્વારા ઈમિગ્રન્ટની ઘૂસણખોરી થતી રહે છે તેના પરથી ધ્યાન હટાવવા નવી પદ્ધતિ અપનાવાઈ છે.