લંડનઃ આ ચૂંટણી પછી બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં સૌથી વધુ ૩૨ સજાતીય સાંસદ હોવાનો અનોખો વિક્રમ સ્થપાયો છે. ગત હાઉસમાં ૨૬ ગે, લેસ્બિયન અને બાયસેક્સ્યુઅલ સાંસદો હતા. સંસદમાં ૧૩ કન્ઝર્વેટિવ, ૧૨ લેબર અને SNPના ૬ સભ્ય સજાતીય તરીકે જાહેર છે, જે કુલ સભ્યસંખ્યાના પાંચ ટકાથી થોડાં જ ઓછાં છે. પાર્લામેન્ટમાં સૌથી નાની સભ્ય માહિરી બ્લેક પણ સજાતીય છે.
SNPપાર્લામેન્ટરી પાર્ટીમાં ૧૨.૫ ટકા સભ્ય સજાતીય છે, જે વિશ્વમાં કોઈ પણ રાજકીય પક્ષ માટે સર્વોચ્ચ પ્રમાણ છે. ન્યૂ સ્ટેટ્સમેન મેગેઝિનના અભ્યાસ અનુસાર ચૂંટણીમાં ૧૫૫ ઉમેદવાર સજાતીય હતા, જેમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ સૌથી વધુ ૩૯ પુરુષ અને ત્રણ મહિલા ઉમેદવાર ઉભા રાખ્યા હતા.. સજાતીય અધિકારો માટે ઉદાર વલણ ધરાવતા સ્વીડન અને નેધરલેન્ડ્સની સંસદમાં પણ અનુક્રમે ૧૨ અને ૧૦ સભ્ય સજાતીય છે.