લંડનઃ એક સર્વે અનુસાર બ્રિટનની બહુમતી પ્રજા ૬૭ વર્ષીય કેમિલા એટલે કે ડચેસ ઓફ કોર્નવોલ રાણી બને તેમ ઈચ્છતી નથી. પ્રિન્સ ચાર્લ્સે રાજા બનવું જોઈએ કે કેમ તે બાબતે પણ દેશ વિભાજિત છે. પ્રિન્સ ચાર્લ્સે તેમના જયેષ્ઠ પુત્ર વિલિયમની તરફેણમાં ગાદીત્યાગ કરવો જોઈએ તેમ પણ લોકો માની રહ્યા છે. ૧૮ વર્ષ અગાઉ મોતને ભેટેલાં પ્રિન્સેસ ડાયેના સારા રાણી બની શકત તેમ માનનારા લોકોની સંખ્યા ઘણી છે.
લોકપ્રિયતાની બાબતે શાહી પરિવારમાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી સૌથી આગળ છે. આ પછી, ૮૮ વર્ષીય ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને ડચેસ ઓફ કેમ્બ્રિજનો ક્રમ આવે છે, જ્યારે કેમિલા અને પ્રિન્સ એન્ડ્ર્યુની લોકપ્રિયતા તળિયે છે.
ડેઈલી મેલ માટે કરાયેલા સર્વે મુજબ માત્ર ૪૩ ટકા લોકો પ્રિન્સ ચાર્લ્સે ગાદી સંભાળવી જોઈએ તેવો મત દર્શાવ્યો હતો, જ્યારે બીજા ૪૩ ટકાએ તેમણે પ્રિન્સ વિલિયમની તરફેણમાં ખસી જવું જોઈએ તેમ કહ્યું હતું. દસમાંથી ચાર વ્યક્તિ માને છે કે વિલિયમ રાજા બની શકે તે માટે પ્રિન્સ ચાર્લ્સે રાજગાદી પરથી પોતાનો અધિકાર જતો કરવો જોઈએ. પ્રિન્સ ચાર્લ્સ રાજગાદી સંભાળે ત્યારે પણ ડચેસ ઓફ કોર્નવોલ રાણી ન બનવાં જોઈએ તેમ ૫૫ ટકા લોકો માને છે.
પ્રિન્સ ચાર્લ્સ સાથે લગ્નને ૧૦ વર્ષ વીતી જવા છતાં કેમિલા બ્રિટિશ પ્રજાના હૃદયમાં સ્થાન જમાવી શક્યાં નથી. જોકે, ૨૦૦૫માં ચાર્લ્સ સાથે કેમિલાના લગ્ન થયા ત્યારે ૭૩ ટકા લોકો કેમિલાના વિરોધી હતા. હવે આ પ્રમાણ ઘટ્યું છે. પ્રિન્સેસ ડાયેના સાથે ચાર્લ્સના લગ્નમાં ભંગાણ માટે કેમિલાને મુખ્ય ગુનેગાર કે જવાબદાર માનવામાં આવતાં નથી. આ માટે ૩૯ ટકા લોકો ખુદ પ્રિન્સને, ૧૩ ટકા લોકો ડાયેનાને અને ૧૨ ટકા લોકો કેમિલાને દોષિત ગણે છે.