લંડનઃ બ્રિટનની અડધાથી વધુ વસ્તી માટે અર્થતંત્ર, જાહેર સેવાઓ કે શિક્ષણ નહિ, પરંતુ ઈમિગ્રેશનનો મુદ્દો સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. આના માટે યુરોપમાં ફેલાયેલી અરાજકતા મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. ઈપ્સસ મોરી દ્વારા કરાયેલા સર્વે અનુસાર ૫૬ ટકા લોકો માને છે કે યુકેની સરહદોએ છલકાયેલાં લોકો મોટી કટોકટી સમાન છે, જ્યારે ૪૦ ટકા માટે તો બ્રિટન સામેનો એકમાત્ર પડકાર ઈમિગ્રેશન છે અને બીજો મોટો પડકાર NHSનો હોવાનું ૩૬ ટકા લોકો માને છે. આજે અર્થતંત્રની ચિંતા ૨૫ ટકા સાથે ત્રીજા સ્થાને ધકેલાઈ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં ૫૬ ટકા લોકોએ અર્થતંત્ર વિશે સૌથી વધુ ચિંતા વ્યક્ત કરી હતી.
કન્ઝર્વેટિવ સમર્થકોના ૭૫ ટકાએ, જ્યારે ૪૯ ટકા લેબર સમર્થકોએ ઈમિગ્રેશનને સૌથી ચિંતાજનક મુદ્દાઓમાં એક ગણાવ્યો હતો. ૬૫ અને તેથી વધુ વયના ૬૪ ટકા લોકો માટે તો આ મુદ્દો સૌથી નોંધપાત્ર રહ્યો હતો. લંડન સિવાય બ્રિટનના તમામ વિસ્તારોમાં સૌથી વધુ ચિંતા ઈમિગ્રેશનની જણાઈ હતી. કેલેની ઈમિગ્રેશન કટોકટી, યુદ્ધ અને ગરીબીથી ત્રસ્ત નિર્વાસિતોનો યુરોપમાં ધસારો તેમ જ યુકેમાં વિક્રમી નેટ માઈગ્રેશન પછી આ સર્વે કરાયો છે.
માઈગ્રેશનવોચ થિન્ક-ટેન્કના ચેરમેન લોર્ડ ગ્રીન ઓફ ડેડિંગ્ટને જણાવ્યું હતું કે, ‘આપણી વસ્તી એક સદીમાં સૌથી ઝડપી ગતિએ વધી છે એટલું જ નહિ, તેનાથી જાહેર સેવાઓ પર ભારે દબાણ સર્જાયું છે અને દેશના ઘણાં ભાગોમાં સમાજમાં વધુ ઝડપે પરિવર્તન આવી રહ્યું છે.’ ટોરી સાંસદ પીટર બોનેએ જણાવ્યું હતું કે,‘મધ્ય ઈંગ્લેન્ડમાં આ મોટો પ્રશ્ન છે. લોકોને કોમનવેલ્થ દેશોમાંથી નહિ પરંતુ અમર્યાદિત ઈયુ ઈમિગ્રેશન વિશે ચિંતા છે. જીપી સર્જરીઝ, શાળાઓ અને આરોગ્ય સેવાઓ દબાણ હેઠળ ઝઝૂમે છે.’
ઈપ્સસ મોરીની સોશિયલ રીસર્ચ ઈન્સ્ટિયુટના બોબી ડફીએ કહ્યું હતું કે,‘ઈમિગ્રેશન વિશે અમે નોંધેલી ચિંતાનું આ સર્વોચ્ચ પ્રતિબિંબ છે. કેલેના રેફ્યુજી કેમ્પ્સ પરથી ધ્યાન ખસીને યુરોપમાં લોકોની હેરફેર પર કેન્દ્રિત થયું છે.’ ઈપ્સસ મોરી દ્વારા લોકોને બ્રિટનને અસર કરતા સૌથી મહત્ત્વના પરિબળો વિશે નિયમિત પૃચ્છા કરાય છે.