લંડનઃ બ્રિટિશરો દ્વારા ડ્રગ્સ અને વેશ્યાગમન જેવી ‘ખરાબ આદતો’ પાછળ કરાતા ખર્ચમાં ૧૦ વર્ષમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે. ગેરકાયદે ડ્રગ્સ પાછળ કરાતો ખર્ચ ૨૦૧૧થી પાંચ વર્ષના ગાળામાં ૪૦ ટકા જેટલો ઘટ્યો છે. વર્ષ ૨૦૧૫માં વેશ્યાગમન પાછળ પાંચ બિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા તે ૨૦૧૬માં ઘટીને ૪.૮ બિલિયન પાઉન્ડ થયો હતો. જોકે, ગાર્ડનિંગ અને સાયકલિંગ જેવાં નિર્દોષ કાનૂની શોખ પાછળ કરાતાં ખર્ચની સરખામણીએ ‘ખરાબ આદતો’ પાછળનો કુલ ખર્ચ વધુ જ છે. નિષ્ણાતોએ તો ચેતવણી આપી છે કે કોકેઈન જેવી ક્લાસ એ ડ્રગ્સ વધુ સસ્તી મળતી હોવાના કારણે પણ આ ખર્ચ ઓછો દેખાતો હોઈ શકે છે.
બ્રિટિશ પરિવારો ડ્રગ્સ અને વેશ્યાગમન જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ પાછળ કેટલો ખર્ચ કરે છે તેની ગણતરી ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા પ્રથમ વખત કરવામાં આવી છે. કેમ્બ્રીજ યુનિવર્સિટીના પ્રોફેસર ડિએન કોયલના જણાવ્યાનુસાર સરકારી ભંડોળ ધરાવતી એજન્સી દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓનું સ્તર માપવું તે પણ યોગ્ય છે. તમામ બજારપ્રવૃત્તિના સ્તરને વિચારવાથી જ અર્થતંત્રનું માપ નીકળી શકે છે. જોકે, ઊંચા ખર્ચને કલ્યાણલક્ષી ગણવા સામે પણ તેમણે ચેતવણી આપી હતી કારણકે ડ્રગ્સ અને વેશ્યાગમન જેવી આદતો પાછળના ખર્ચને અર્થશાસ્ત્રીઓ કલ્યાણલક્ષી ગણાવતા નથી.
લંડનવાસીઓએ ૨૦૧૬માં આવી પ્રવૃત્તિઓ પાછળ સરેરાશ ૨૪,૫૪૫ પાઉન્ડ ખર્ચ્યા હતા, જે વેસ્ટ મિડલેન્ડ્સના સરેરાશ નિવાસીની સરખામણીએ લગભગ ૧૦,૦૦૦ પાઉન્ડ ઓછાં હતાં. જોકે, લંડનમાં હાઉસિંગ ખર્ચ વધુ હોવાથી યુકેના અન્ય વિસ્તારોની સરખામણીએ લંડનવાસીઓ મનોરંજન પાછળ ઓછો ખર્ચ કરે છે. આલ્કોહોલની પાછળ સૌથી વધુ ખર્ચ સ્કોટલેન્ડવાસીઓ કરે છે, જેમના પછી નોર્થ વેસ્ટ અને સાઉથ ઈસ્ટના રહેવાસીઓનો ક્રમ છે. બીજી તરફ, નોર્ધર્ન આયર્લેન્ડના લોકો તમાકુ પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે.