લંડનઃ બેરોનેસ સંદીપ વર્માએ શુક્રવાર ૨૨ જુલાઈએ લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (LCCI) એશિયન બિઝનેસ એસોસિયેશન (ABA) રિસેપ્શનની યજમાની કરી હતી. હાઉસ ઓફ લોર્ડ્સમાં આયોજિત કાર્યક્રમમાં લંડન ચેમ્બર ઓફ કોમર્સના ડેપ્યુટી પ્રેસિડેન્ટ સુભાષ ઠકરારે ઉદ્ઘોષક તરીકે સેવા આપી હતી. ચીફ ગેસ્ટ તરીકે લંડનના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ ઉપરાંત, યુકેના પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અને LCCIના એશિયન બિઝનેસ એસોસિયેશનના ચેરમેન વિજય ગોયેલ પણ ઉપસ્થિત હતા.
LCCI ૧૪૦ વર્ષનો વૈવિધ્યપૂર્ણ ઈતિહાસ, જ્યારે ABA સફળતાના ૨૦ વર્ષની ગાથા ધરાવે છે. ભારતમાં જન્મેલા લંડનના સૌપ્રથમ ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ બનેલા રાજેશ અગ્રવાલે બ્રેક્ઝિટ અને તેની અસરો વિશે વાત કરવા સાથે હાજર મહેમાનોને જણાવ્યું હતું કે તેમણે બ્રિટિશ રાજધાની માટે વ્યાપક નાણાકીય સ્વાયત્તતાની હિમાયત કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ઈયુ રેફરન્ડમના બ્રેક્ઝિટ પરિણામ છતાં સિટી બિઝનેસ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ જ છે. વિશ્વમાં લંડન મહાન નગર હતું, છે અને રહેશે.
ખિસ્સામાં ૨૦૦ પાઉન્ડ સાથે આ દેશમાં આવેલા અગ્રવાલ જાતમહેનતે મિલિયોનેર બન્યા છે. તેમણે ફોરેન એક્સચેન્જ મહાકાય કંપની Rational FXની સ્થાપના કરી હતી. તેમણે કહ્યું હતું કે લંડને તેમને ખુલ્લા હાથે આવકાર્યા હતા, સારી તકો આપી હતી. હવે નવી ભૂમિકામાં લંડનની સેવા કરવાની તક તેમની પાસે છે. તેમણે પુનરુચ્ચાર કર્યો હતો કે યુરોપિયન યુનિયન સાથે બ્રિટનની વાટાઘાટોમાં લંડનના અવાજને મહત્ત્વ મળે તે માટે મેયર સાદિક ખાન પ્રતિબદ્ધ છે.