લંડનઃ બ્રિટનસ્થિત યુરોપીય દૂતાવાસોએ બ્રેક્ઝિટ વોટ પછી તેમના નાગરિકો વિરુદ્ધ કથિત હેટ ક્રાઈમ્સ અને શોષણમાં વધારો થયો હોવાની ઘટનાઓ જાહેર કરી છે. યુરોપિયન યુનિયન છોડવાના જનમત પછી યુકેની આ ઘટનાઓમાં ૬૦ ટકા કેસ ખાસ પોલેન્ડ સહિત પૂર્વ યુરોપીય નાગરિકોને સંબંધિત છે. માન્ચેસ્ટર અને એડિનબરાની પોલીશ કોન્સ્યુલર સેવાએ ૨૩ જૂન પછી તેમના નાગરિકો પર હુમલાના ૩૧ કેસ દર્શાવ્યાં છે, જેમાં ગત ત્રણ મહિનામાં જ આઠ કેસ હતા. નોર્ડિક ગ્રૂપ ઓફ એમ્બેસેડર્સના લંચમાં પણ લંડનસ્થિત રાજદ્વારીઓએ આ મુદ્દે ચર્ચા કરી હતી.
ધ ગાર્ડિયન અખબાર દ્વારા સર્વે માટે ઈયુના તમામ ૨૭ દેશની લંડન એમ્બેસીનો સંપર્ક કરાયો હતો અને ૧૭ એમ્બેસીના ઉત્તરમાં ઈયુ રેફરન્ડમ પછીના ૧૨ સપ્તાહમાં ઝેનોફોબિક શોષણના કિસ્સા વધ્યાં હોવાનું જણાવાયું હતું. આ ઘટનાઓમાં શારીરિક હુમલા, અપશબ્દો બોલવા, ઘરમાં ઘૂસણખોરી, આગચંપી અને બ્રિટન છોડી જવા જણાવવા સહિત ૬૦ કિસ્સાનો સમાવેશ થયો હતો.
મોટા ભાગના હુમલા પોલીશ લોકો અથવા તેમના જેવા દેખાતા લોકો વિરુદ્ધ હતા. યુકેમાં પોલીશ કોમ્યુનિટી સૌથી મોટો અને નજરે ચડી આવતો લઘુમતી રાષ્ટ્રીય સમુદાય હોવાથી તેમના વિરુદ્ધ હુમલાની સંખ્યા વધુ છે. નોંધાયેલા હુમલાની સંખ્યામાં પોલેન્ડ (૩૧ ઘટના), લિથુઆનિઆ (૧૦), લેટવિઆ (૬), સ્વીડન (૫), ફિનલેન્ડ (૪), રોમાનિયા (થોડાં), હંગેરી (થોડાં) અને બલ્ગેરિયા (૧)નો સમાવેશ થાય છે. બીજી તરફ, ગ્રીસ, બેલ્જિયમ, ડેન્માર્ક, સાયપ્રસ, ઓસ્ટ્રિયા, એસ્ટોનિયા, સ્પેન, ફ્રાન્સ અને જર્મની સહિત પશ્ચિમી યુરોપના દૂતાવાસોએ તેમના નાગરિકો વિરુદ્ધ ઈયુ જનમત પછી ખરાબ વ્યવહાર નહિ કરાયાનું જણાવ્યું હતું.