લંડનઃ ઉમરાવો અને સાંસદો દ્વારા બ્રેક્ઝિટમાં થઈ રહેલા વિલંબને ખાળવાના સરકારના પ્રયાસની સાથે સાથે ઈયુવિરોધી ગણાતા કેમ્પઈન લીવ અને યુકેઆઈપીના વચગાળાના નેતા નાઈજેલ ફરાજ તથા અન્ય ટેકેદારો દ્વારા સુપ્રીમ કોર્ટ સુધીની એક લાખ લોકોની રેલીનું આયોજન કરાયું છે. આ રેલી સુપ્રીમ કોર્ટમાં બ્રેક્ઝિટ વિશે જે દિવસે પ્રથમ સુનાવણી હાથ ધરાવાની છે તે દિવસે એટલે કે ૫મી ડિસેમ્બરે જ યોજાય તેવી શક્યતા છે.
આ રેલી ટ્રફલ્ગાર સ્ક્વેરથી નીકળીને વ્હાઈટહોલ થઈને પાર્લામેન્ટ સ્ક્વેર પહોંચશે. રેલીના આયોજકોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફરાજ, મિલિયોનેર એરોન બેંક્સ અને રિચાર્ડ ટાઈસે આ રેલી અને કાનૂની કાર્યવાહી માટે હજારો લીવ વોટરોનું સમર્થન મેળવ્યું છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે ચાર દિવસ ફાળવ્યા છે. આ સુનાવણીનું ઈન્ટરનેટ પર લાઈવ પ્રસારણ થશે. કોર્ટ કાર્યવાહીમાં લીવ ટેકેદારો વતી રજૂઆત માટે બેરિસ્ટરોને ફી ચૂકવવા સમર્થકો પાસેથી £૧,૦૦,૦૦૦નું ‘ક્રાઉડ ફંડ’ ઉભું કરવાનું પણ લીવ કેમ્પેઈનનું આયોજન છે.