ડાયાબિટીશની બીમારી અંગે જાગૃતી લાવવાના હેતુ સાથે બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં કુલ ૧૧ ડાયાબિટીશ ચેમ્પીયનના નામની જાહેરાત કરવામાં આવી હતી અને તે સૌને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ડાયાબિટીશ ચેમ્પીયન હવે સમુદાયમાં ટાઇપ ટુ ડાયાબિટીશની બીમારીને રોકવા અને ડાયાબિટીશના દર્દીઅોએ કેવી કાળજી રાખવી તે અંગે સમાજમાં ફરીને સૌ કોઇને સમજ આપશે. ટાઇપ ટુ ડાયાબિટીશ સ્થુળતાના કારણે થાય છે અને ખરાબ ખોરાક તેના માટે જવાબદાર હોય છે.
બ્રેન્ટ વિસ્તારમાં કુલ ૨૩ હજાર જેટલા ડાયાબિટીશના દર્દીઅો છે અને ડાયાબિટીશ યુકે સાથે સહભાગીદારી કરી બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા પસંદ થયેલા ૧૧ ડાયાબિટીશ ચેમ્પીયન્સને તાલિમ આપવામાં અવી હતી. જે સૌને બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે બ્રેન્ટ કાઉન્સિલના એડલ્ટ્સ, હેલ્થ અને વેલબીઇંગ કેબિનેટના સદસ્ય કાઉન્સિલર કૃપેશ હિરાણીએ પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા.
ડાયાબિટીશ ચેમ્પીયન મંજુલા ડેલીએ જણાવ્યું હતું કે 'મને ટાઇપ ટુ-ડાયાબિટીશ છે અને તે માટે મને દવા લેવી પડે છે તેમજ શું ખાવું અને શું ન ખાવું તેની તકેદારી રાખવા ઉપરાંત મારે કાર્બોહાયડ્રેટ્સ અને ખાંડ પર કાબુ રાખવો પડે છે. એક ડાયાબિટીશ ચેમ્પીયન તરીકે મારી જવાબદારી બને છે કે લોકોમાં આ અંગે જાગૃતી લાવું.'