લંડનઃ ટ્રાન્સપોર્ટ ચીફ્સ દ્વારા બ્રેન્ટના નવ ઓવરગ્રાઉન્ડ સ્ટેશનમાંથી આઠ સ્ટેશને ટિકિટ ઓફિસ બંધ કરવાની યોજના ઘડાઈ છે અને આ મુદ્દે પ્રવાસીઓ પાસેથી સૂચનો પણ મગાવાયા છે. ૨૭ જાન્યુઆરીએ કન્સલ્ટેશન પ્રક્રિયા બંધ કરાશે. બ્રેન્ટ અને હેરો માટે લેબર પાર્ટીના લંડન એસેમ્બલી સભ્ય નવીનભાઈ શાહે આ યોજનાનો જોરદાર વિરોધ કર્યો છે.
લંડન અન્ડરગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ દ્વારા હાર્લેસડન, કેન્સાલ ગ્રીન, કેન્ટન, નોર્થ વેમ્બલી, ક્વીન્સ પાર્ક, સાઉથ કેન્ટન, સ્ટોનબ્રિજ પાર્ક અને વેમ્બલી સેન્ટ્રલ સ્ટેશનોએ ટિકિટ ઓફિસ બંધ કરવાની દરખાસ્ત મૂકાઈ છે. વિલ્સડન જંક્શનની ટિકિટ ઓફિસ યથાવત રહેશે. ગયા વર્ષે ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા સિટીમાં તમામ ૨૫૬ ટ્યુબ સ્ટેશનોએ ટિકિટ ઓફિસ બંધ કરી દેવાઈ હતી. જો ઓવરગ્રાઉન્ડ ટિકિટ ઓફિસો બંધ કરી દેવાય તો અસરગ્રસ્ત સ્ટેશનોએ નવા ટિકિટ મશીન્સ ગોઠવવા લંડન અંડરગ્રાઉન્ડ દ્વારા ખાતરી અપાઈ છે.
લંડન એસેમ્બલી સભ્ય નવીનભાઈ શાહે યોજનાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ‘ઘણા નિવાસીઓને આ યોજના અંગે ચિંતા થશે. ટ્યુબ સ્ટેશનોમાં ટિકિટ ઓફિસ બંધ કરી સ્ટાફમાં કાપ મૂકવાથી પ્રવાસીઓને હાલાકી ઘણી વધશે.’
લંડન અંડરગ્રાઉન્ડે શરૂઆતી કલાકોમાં તમામ સ્ટેશને પૂરતો સ્ટાફ ગોઠવવા અને ટિકિટ હોલ્સમાં તેઓ મદદરૂપ બને તેવી વ્યવસ્થા ગોઠવવા પણ ખાતરી આપી છે. ગનર્સબરી, ક્યુ ગાર્ડન્સ તેમજ હેરો એન્ડ વીલ્ડસ્ટોનમાં પણ સ્ટેશનોએ ટિકિટ ઓફિસો બંધ થવાનું જોખમ છે.