લંડનઃ બ્રોડબેન્ડ અને મોબાઈલફોન ગ્રાહકો ગેરવાજબી પેનલ્ટીઝ ચુકવ્યા વિના પ્રોવાઈડર બદલી શકશે. જો ઈન્ટરનેટ સર્વિસ ધીમી હોય અથવા અન્ય સમસ્યાઓ હોય તો પ્રોવાઈડરે ગ્રાહકોને તેમના કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરવા પડશે. મોબાઈલ ફોન કોન્ટ્રાક્ટના સુધારાઓ આગામી મહિને જાહેર કરાશે. મોબાઈલ ગ્રાહકો પણ સર્વિસ ખરાબ હોય અથવા મુદત પૂર્ણ થતી હોય ત્યારે અવરોધમુક્ત અને ઝડપી પ્રક્રિયા સાથે પ્રોવાઈડર બદલી શકશે. ઓફકોમની સૂચના અનુસાર પ્રોવાઈડર અને ગ્રાહકો વચ્ચેના કોન્ટ્રાક્ટ છૂપા ચાર્જીસ અથવા લોક-ઈન મુદત ન રાખવા સાથે સ્પષ્ટ અને ન્યાયી હોવા જોઈશે.
રેગ્યુલેટર ઓફકોમની દરમિયાનગીરીના કારણે સોદામાં બંધાયેલા લાખો ગ્રાહકોની મુશ્કેલી હળવી બનશે. ઓફકોમના વડા શેરોન વ્હાઈટે જણાવ્યું હતું કે,‘બજારો ગ્રાહકો અને નાગરિકો માટે કામ કરે અને સ્પર્ધાને ઉત્તેજન મળે તે માટે હસ્તક્ષેપ કરવાની અમને સત્તા છે.’ નવા ફેરફારો અગાઉ, ગ્રાહકોને કોન્ટ્રાક્ટમાં જણાવ્યા છતાં ઈન્ટરનેટની લઘુતમ સ્પીડ અને સેવા નબળી મળતી હોય તેમ છતાં ત્રણ મહિનાની પ્રારંભિક મુદત પછી પણ બ્રોડબેન્ડ સપ્લાયર્સ સાથે બંધાયેલા રહેવું પડતું હતું. મોટા ભાગના કોન્ટ્રાક્ટ ૧૮ મહિનાના હોવા છતાં હવે તેઓ ગમે તે સમયે કોન્ટ્રાક્ટથી મુક્ત થઈ શકશે.
આગામી મહિને જાહેર કરાનારા મોબાઈલ ફોન કોન્ટ્રાક્ટના સુધારાઓ અનુસાર ગ્રાહકો નેટવર્કની કામગીરી અથવા કસ્ટમર સર્વિસથી નાખુશ હોય તો સરળતાથી પ્રોવાઈડર્સ બદલી શકશે. નવા નેટવર્કમાં મોબાઈલ નંબરની ટ્રાન્સફર ઝડપી બનાવવા તેમજ છૂપાં ચાર્જીસ અને પેનલ્ટીઝ નાબૂદ કરવા પ્રોવાઈડર્સને જણાવાશે. પ્રોવાઈડર્સ દ્વારા વહેલી ટર્મિનેશન ફી, અનલોકિંગ ચાર્જીસ જેવી રકમો વસૂલાય છે.