લંડનઃ બ્રિટનમાં લાખો લોકો છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવે છે. જોકે, તેમાંથી આશરે ૧૮૮,૦૦૦ને હાર્ટ એટેક હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય છે. ભારતીય મૂળના ગુજરાતી વિજ્ઞાની ડો. અનૂપ શાહના નેતૃત્વ હેઠળની સંશોધકોની ટીમે એક હાઈ-સેન્સિટિવીટી બ્લડ ટેસ્ટની શોધ કરી છે જેના દ્વારા હૃદયરોગની સચોટ માહિતી મેળવી શકાય છે.
આ બ્લડ ટેસ્ટમાં સંશોધકોએ લોહીમાં જોવા મળતા ટ્રોપોનીન નામના પ્રોટીનની શોધ કરી છે તેના દ્વારા બે તૃતિયાંશ લોકોમાં હાર્ટ એટેકનું નિદાન કરી શકાયું હતું. આ સંશોધનના આલેખક ડો. અનૂપ શાહે યુનિવર્સિટી ઓફ એડીનબરામાં આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું.
વિજ્ઞાનીઓના કહેવા મુજબ હાર્ટ એટેક વખતે હૃદયમાંથી ટ્રોપોનિન પ્રોટીન ઝરે છે. બ્લડ ટેસ્ટ દ્વારા લોહીમાં તેની હાજરીનું પ્રમાણ ચકાસી પેશન્ટને ખરેખર હાર્ટ એટેક છે કે કેમ તેનો નિર્ણય કરી શકાય છે અને જોખમ ન જણાય તો પેશન્ટને સલામતપણે ઘેર મોકલી શકાય છે. ધ લાન્સેટમાં પ્રસિદ્ધ બ્લડ ટેસ્ટ સંશોધન હાર્ટ એટેકના કહેવાતા પેશન્ટ્સની સંખ્યા રાતોરાત ઘટાડી શકે છે અને NHSને લાખો પાઉન્ડની બચત કરાવી શકે છે.