લંડનઃ સ્થાનીય હર્ટ્સમીઅર બરો કાઉન્સિલની પ્લાનિંગ કમિટીએ ISKCON ભક્તિવેદાંત મેનોરમાં બાંધકામમાં ફેરફારોની અરજીને પરવાનગી આપી છે. પ્લાનર્સે લંડનની ઉત્તરે એલ્ડનહામમાં આવેલા ભક્તિવેદાંત મેનોરના પ્રાંગણમાં નવા ડેવલપમેન્ટની અરજીને સર્વાનુમતે સત્તાવાર બહાલી આપી હતી. મંદિર દ્વારા બે માળના કોમ્યુનિટી બિલ્ડિંગ અથવા ઈમારતનું નિર્માણ તેમજ વર્તમાન પોલી ટનેલ્સ, ગ્રીનહાઉસીસ અને રમતના મેદાનને અન્યત્ર ખસેડવા માટે અરજી કરી હતી.
મેનોરના મેનેજિંગ ડિરેક્ટર ગૌરી દાસે જણાવ્યું હતું કે,‘ભક્તિવેદાંત મેનોર ખાતે અમારી કોમ્યુનિટી ફેસિલિટીને બાંધવાની પ્લાનિંગ પરમિશન મળવાથી અમને ઘણો જ આનંદ થયો છે. વર્ષો દરમિયાનની કામગીરીમાં પ્લાનિંગ નોંધના વિકાસ, જાહેર પરામર્શ તેમજ નિર્ણય માટે દોઢ વર્ષના ગાળામાં અમે સ્થાનિક નિવાસીઓની ચિંતાઓને ધીરજ અને કાળઝી સાથે સાંભળી હતી. આખરે તમામ ચિંતાઓનું નિરાકરણ લવાયું હતું અને નિર્ણય સર્વાનુમતે આવ્યો હતો. આ માટે અમે ઘણા જ આભારી છીએ.’
મૂળ પ્લાનિંગ એપ્લિકેશન ડિસેમ્બર ૨૦૧૪માં રજૂ કરાઈ હતી અને ગત ૧૬ મહિનામાં તેમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. લેચમોર હીથના રહેવાસીઓ દ્વારા સંખ્યાબંધ ફરિયાદો આવતા એલ્ડનહામ વેસ્ટનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલર ડેવિડ લેમ્બર્ટે મૂળતઃ અરજીનો વિરોધ કર્યો હતો. જોકે, પ્લાનિંગ મીટિંગ દરમિયાન ઓફિસર કારેન હમ્ફ્રીઝે કહ્યું હતું કે લેચમોર હીથના રહેવાસીઓ દ્વારા અરજીનો સ્વીકાર કરાયો છે.
કાઉન્સિલર લેમ્બર્ટે કહ્યું હતું કે,‘આપણે આ પોઈન્ટ પર આવી શક્યા તેનો મને આનંદ છે. ઓફિસર્સ દ્વારા કાર્ય વિના આ બાબત સફળ થઈ શકી ન હોત. આમાં લાંબો સમય લાગી ગયો છે. હું ઓફિસરોની સખત મહેનતને અભિનંદન આપું છું.’ ભવિષ્યમાં આ સમગ્ર સાઈટ પર તે શું કરવા માગે છે તેનો માસ્ટર પ્લાન પૂરો પાડવા મેનોરને જણાવનારા કાઉન્સિલર સિમસ ક્વિલ્ટી સહિત અન્ય કાઉન્સિલર્સ પણ કાઉન્સિલર લેમ્બર્ટ સાથે સહમત થયા હતા.
ટેમ્પલ પ્રેસિડેન્ટ શ્રુતિધર્મદાસે ઉમેર્યું હતું કે,‘મંદિર અને સ્થાનિક સમુદાયની જરૂરિયાતો વચ્ચે સંતુલન કરવા સખત મહેનત કરનારા આપણા સ્થાનિક કાઉન્સિલર્સ અને હર્ટ્સમીઅર પ્લાનર્સનો ઘણો આભાર. આ નિર્ણય કોઈની હાર, કોઈની જીત નથી, બધાંની જીત છે. ક્વીનની ૯૦મી વર્ષગાંઠે આપણને પરવાનગી મળી છે!’