લંડનઃ યુકેની એક વ્યક્તિએ યુરોમિલિયન્સ લોટરીના સ્પેશિયલ સુપર જેકપોટ ડ્રોમાં ૧૧૧ મિલિયન પાઉન્ડનું ઈનામ જીત્યાનો દાવો કર્યો છે. ઈનામના પરિણામ શુક્રવાર ૪ જૂનની સાંજે જાહેર કરાયા હતા. એક નસીબવંતા ખેલાડીને યુરોમિલિયન્સના તમામ પાંચ નંબર ઉપરાંત, બે લકી સ્ટાર નંબર પણ મેચ થયા હતા. આ ભાગ્યશાળીને ૧૧૧,૫૪૦,૦૦૦ પાઉન્ડનું ઈનામ લાગ્યું હતું. આ ખેલાડીનું નામ જાહેર કરાયું નથી.
નેશનલ લોટરીના સીનિયર વિનર્સ એડવાઈઝર એન્ડી કાર્ટરે બધા પ્લેયર્સને પોતાની ટિકિટ્સના નંબર ચકાસી લેવા અને જો તેમના નંબર મેચ થતા હોય તો તેમનો સંપર્ક કરવા સલાહ આપી હતી.
યુરોમિલિયન્સના વિજેતા આંકડા ૦૭, ૨૦,૩૬,૪૦ અને ૪૬ છે જ્યારે લકી સ્ટાર નંબર ૦૨ અને ૦૪ છે. કાર્ટરે કહ્યું હતું કે નેશનલ લોટરીના ખેલાડીઓ સમગ્ર દેશમાં નેશનલ લોટરી ગુડ કોઝીસ માટે દર સપ્તાહે સરેરાશ આશરે ૩૦ મિલિયન પાઉન્ડની કમાણી કરાવે છે. આ ખેલાડીઓના કારણે જ કોરોના વાઈરસથી અસરગ્રસ્ત લોકોની મદદમાં એક બિલિયન પાઉન્ડથી વધુ રકમ કામે લાગી છે.
લોટરી ઓપરેટર કેમલોટના જણાવ્યા અનુસાર યુકેના લોટરી ઈતિહાસમાં આ સૌથી મોટી રકમના નવમો જેકપોટ વિજય છે. આ વર્ષે ચાર બ્રિટિશર યુરોમિલિયન્સ જેકપોટના વિજેતા બન્યા છે. બે વ્યક્તિએ એપ્રિલમાં અને એક વ્યક્તિએ નવા વર્ષના દિવસે જેકપોટ હાંસલ કર્યો હતો. એપ્રિલમાં યુરોમિલિયન્સના અનામી બ્રિટિશ ખેલાડીએ ૧૨૨ મિલિયન પાઉન્ડની રકમ જીતી યુકેના પાંચમા ક્રમના વિજેતાનું સ્થાન હાંસલ કર્યું હતું.
બ્રિટનના સૌથી ભાગ્યશાળી વિજેતાએ ઓક્ટોબર ૨૦૧૯માં સૌથી વધુ ૧૭૦ મિલિયન પાઉન્ડનો જેકપોટ જીત્યો હતો. તેણે પણ પોતાનું નામ જાહેર કર્યું નથી. યુરોમિલિયન્સના ઈતિહાસમાં સૌથી વધુ રકમ જીતવાનો વિક્રમ આ વર્ષના ફેબ્રુઆરીમાં નોંધાયો હતો જ્યારે એક સ્વિસ પ્લેયરે ૨૧૦ મિલિયન યુરો (લગભગ ૧૮૦ મિલિયન પાઉન્ડ)ની રકમ મેળવી હતી.