લંડનઃ અમેરિકામાં રહેતા કથિત સાયબર એક્સપર્ટ અને હેકર સઈદ શુજાએ સોમવારે ભારતીય રાજકારણમાં હલચલ મચાવે તેવો સનસનીખેજ દાવો કરતાં કહ્યું છે કે, ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (EVM) હેક કરવામાં આવ્યા હતાં અને તેમાં ગરબડ કરીને જ ભાજપ લોકસભાની ચૂંટણી જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં EVMની ડિઝાઈન તૈયાર કરનારી ટીમમાં શુજાનો સમાવેશ થયો હોવાનો દાવો કરાયો હતો. શુજાએ લંડનમાં EVMમાં ચેડાં અને ગરબડો થઈ શકે છે તે બતાવવા લાઈવ નિદર્શન કરવાને બદલે માત્ર દાવા કર્યા હતા જેનાથી ભારતીય રાજકારણમાં ફરી ચર્ચાઓ શરૂ થઇ છે. ભારતીય ચૂંટણી પંચે શુજાનો દાવો ફગાવી દઈ તેની સામે કાનૂની કાર્યવાહી કરવાની વિચારણા કરી છે. શુજાએ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો પણ ઈવીએમ હેકિંગમાં સામેલ હોવાના આક્ષેપો કર્યા છે. ભાજપએ ઈવીએમ હેકિંગના દાવાઓને કોંગ્રેસના પોલિટિકલ સ્ટન્ટ તરીકે ગણાવ્યા હતા.
શુજાએ એવો દાવો પણ કર્યો હતો કે, ભાજપે ગેરરીતિ આચરીને લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હોવાની જાણકારી મહારાષ્ટ્રના નેતા ગોપીનાથ મુંડેને હોવાથી જ તેમની હત્યા કરી દેવાઈ હતી. મુંડેની હત્યાની ફરિયાદ લેનારા એનઆઈએના અધિકારીએ પણ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે મુંડેનું મોત એક રહસ્યમય અકસ્માતમાં થયું હતું.
રસપ્રદ બાબત એ છે કે લંડનમાં ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિયેશન (યુરોપ)ના અધ્યક્ષ આશિષ રે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ પણ હાજર હતા. ભાજપ દ્વારા સિબ્બલની હાજરી વિશે પ્રશ્નો ઉઠાવાતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓને અંગત આમંત્રણ મળવાથી ત્યાં ગયા હતા અને આશિષ રે દ્વારા ચૂંટણી પંચ અને ભાજપ સહિતના રાજકીય પક્ષોને પણ આમંત્રણ અપાયું હતું.
ચૂંટણી પંચે ઈન્ડિયન પીનલ કોડની જોગવાઈ ૫૦૫ (૧) અન્વયે ભય અને ગભરાટ પ્રસરાવનારી અફવા બાબતે શુજા વિરુદ્ધ એફઆઈઆર નોંધવા દિલ્હી પોલીસને પત્ર પાઠવ્યો છે.
શુજાએ કહ્યું હતું કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઈવીએમમાં ગેરરીતિને કારણે ૨૦૧ બેઠકો ગુમાવી હતી. ગૌરી લંકેશ ઈવીએમમાં ગોટાળા અંગેની સ્ટોરી છાપવા માટે સંમત થયા એટલે તેમની હત્યા કરાઈ હતી. આ અંગે ગૌરી લંકેશે એક આરટીઆઈ ફાઈલ કરીને ઈવીએમમાં વપરાતા કેબલ કોણ બનાવે છે તેનો જવાબ માગ્યો હતો. જોકે, તે અંગેની જાણ થઈ જતાં તેમની હત્યા કરાઈ હતી.
શુજાએ દાવો કર્યો હતો કે ઈવીએમ હેક થઈ શકે છે તે વિશ્વને બતાવવા માટે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ તેમનો સંપર્ક કર્યો હતો. ઈવીએમ હેક કરી શકાય છે તે દર્શાવતા પુરાવા પત્રકારોને આપશે એમ તેમણે કહ્યું હતું.
શુજાના દાવા પ્રમાણે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે ઈવીએમ હેક કરવા માટે લો ફ્રિકવન્સી સિગનલ્સ આપવામાં ભાજપને મદદ કરી હતી. ભારતમાં આવી અદ્યતન સુવિધાઓ છે. કર્મચારીઓ એ જાણતાં નહોતા કે તેઓ ઈવીએમ સાથે ચેડાં કરી રહ્યા છે. તેમને તો એમ જ હતું કે તેઓ ડેટા એન્ટ્રીનું કામ કરી રહ્યા છે, એમ શુજાએ કહ્યું હતું. શુજાએ એવો દાવો પણ કર્યો હતો કે, જો મારી ટીમે ભાજપના પ્રયાસોને રોક્યા ન હોત તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો જ વિજય થયો હોત! શુજાએ દાવો કર્યો છે કે છેક ૨૦૧૪થી ઈવીએમ હેક થઈ રહ્યાં છે.
શુજાના દાવા પુરાવા વિનાના, અનેક છિદ્રો.
શુજાના ઈવીએમ હેક કરવા અંગેના આરોપો કોઈ આધાર વિનાના છે. પોતાને સાયબર એક્સપર્ટ ગણાવતા શુજાએ ઈલેકટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)ની ટીમનો ભાગ હોવાનો દાવો કર્યો છે પણ તેનો કોઈ પુરાવો તેણે રજૂ કર્યો નથી. ECILએ આવો કોઈ શખ્સ કદી તેમનો કર્મચારી ન હોવાનું જણાવ્યું છે. એટલું જ નહિ, સ્કાઈપ મારફતે તેણે પ્રેસ કોન્ફરન્સ કરી છે પણ પોતાનો ચહેરો છુપાવેલો રાખ્યો છે. તેણે ગોપીનાથ મુંડેની હત્યાનો હવાલો આપ્યો છે પણ તેના માટે કોઈ પુરાવો રજૂ કર્યો નથી. ઉપરાંત, પોતાની ટીમના સભ્યની હત્યા અંગે પણ વિસ્તૃત જાણકારી આપી નથી. પોતાની પર હૈદરાબાદમાં હુમલો થયો હોવાથી અમેરિકામાં રાજ્યાશ્રય તેણે માગ્યો હોવાનો દાવો કર્યો છે પણ અમરિકામાં રાજ્યાશ્રય અંગેના નિયમો આકરા છે અને તેની પાસે ભારતમાં તેની સાથે થયેલા અત્યાચારના કોઈ પુરાવા નથી. બ્રિટનમાં બ્રેક્ઝિટ મતદાન અંગે તેણે આક્ષેપ કર્યો હતો કે તેમાં પણ હેકિંગ કરાયું હતું. જોકે, હકીકત એ છે કે બ્રેક્ઝિટ રેફરન્ડમના મતદાનમાં માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાયો હતો.
શુજાના સનસનાટીપૂર્ણ દાવા
• ઈવીએમને બ્લુટુથની મદદથી હેક કરી શકાતું નથી. તેના માટે ગ્રેફાઈટ આધારિત ટ્રાન્સમીટરની મદદ લેવામાં આવે છે. ગ્રેફાઈટ ટ્રાન્સમીટરથી EVM સહેલાઈથી ખોલી શકાય છે. આ ટ્રાન્સમીટરોનો ઉપયોગ ૨૦૧૪ની ચૂંટણીમાં પણ કરાયો હતો..
• કોઈ વ્યક્તિ ડેટામાં ચેડાં કરવા માટે લગાતાર પિંગ કરી રહી હતી. ૨૦૧૪માં ભાજપના કેટલાક નેતાઓને આ અંગેની જાણકારી હતી.
• ૨૦૧૫માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમણે ટ્રાન્સમિશન અટકાવી દીધું હતું, તેના કારણે ભાજપ આ ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યો હતો. ભાજપના આઈટી સેલ દ્વારા ટ્રાન્સમિશનનું કામ કરવામાં આવ્યું હતું. શુજાના દાવા પ્રમાણે તેમની ટીમે આમ આદમી પાર્ટીની તરફેણમાં આ ટ્રાન્સમિશન કરી નાંખ્યું હતું જેના કારણે કેજરીવાલની પાર્ટી જીતી ગઈ હતી.
કાનૂની પગલાં લેવાશેઃ ચૂંટણી પંચ
સૈયદ શુજાના આરોપોનો જવાબ આપતાં ચૂંટણી પંચે કહ્યું હતું કે અમેરિકાસ્થિત આ એક્સપર્ટના તમામ દાવા ખોટા છે. આ ઉપરાંત ચૂંટણી પંચે સૈયદ શુજા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ઈસીઆઈ)એ શુઝાએ ઈવીએમ સાથે ચેડાં થઈ શકે છે એવા કરેલા દાવાને નકારી દીધો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે આ મશીનો ફુલપ્રૂફ છે અને હવે શુજાએ કરેલા દાવા વિરુદ્ધ તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની તૈયારી પણ આરંભી છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે લંડનમાં ઈવીએમ સાથે ચેડાં થઈ શકે છે એવો દાવો એક ઈવેન્ટમાં કરાયો છે, ઈસીઆઈ તેમાં ક્યાંય પાર્ટી બનશે નહિ, આ ઈવીએમ ફૂલપ્રૂફ છે. આ ઈવીએમ મશીનો ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. દ્વારા કડક સુપરવિઝન તથા સુરક્ષા સ્થિતિઓમાં તૈયાર કરવામાં આવે છે. અમે ઈવીએમ અંગે ખોટા દાવા કરનારા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કઈ રીતે થઈ શકે એ માટેની તૈયારી કરી રહ્યા છીએ.
શુજાના દાવા સાથે FPAઅસંમત
વિવાદ દાવાનળની માફક પ્રસરી જતાં ફોરેન પ્રેસ એસોસિએશન (FPA) દ્વારા ટ્વીટમાં જણાવાયું હતું,‘ ફોરેન પ્રેસ એસોસિએશન ગઈકાલે લંડનમાં યોજાયેલા IJAના કાર્યક્રમમાં વક્તા સઈદ શુજાએ કરેલા કોઈપણ દાવા સાથે સંમત નથી.
કાર્યક્રમની વિગતોથી IJAની એક્ઝિક્યુટિવ કમિટી અજાણ
IJAની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે કાર્યક્રમનું આયોજન થયું તે પહેલા કાર્યક્રમની વિગતો વિશે તેમની સાથે સલાહમસલત કરવામાં આવી ન હતી.
શુજાના આક્ષેપો ગંભીર – આશીષ રે, પ્રમુખ, IJA
IJAના પ્રમુખ આશીષ રેએ જણાવ્યું હતું કે અમે નિયમિત રીતે આયોજન કરીએ છીએ તે જ રીતે આ વખતે પણ સારા આશયથી IJA અને FPA બન્નેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. એહમદ (સઈદ શુજા) એ કરેલા આક્ષેપો ખૂબ જ ગંભીર છે. તે આ આક્ષેપોને સાચા પૂરવાર કરી શક્યો ન હતો.
જોકે, પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા પછી અપાયેલા ડોક્યુમેન્ટ્સ પરથી જણાતું હતું કે તેને અમેરિકામાં રાજ્યાશ્રય અપાયો હતો. જો તેમ હોય તો, આ નિર્ણય શેના આધારે લેવાયો ? તેનો જવાબ તો અમેરિકા જ આપી શકે.
આશીષ રેએ ઉમેર્યું હતું કે હૈદરાબાદમાં મે ૨૦૧૪માં જે બન્યું તેનું તેણે કરેલું નિરુપણ ભયાનક હતું. તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો જ તેના આક્ષેપો સાચા છે કે ખોટા તે જાણી શકાય. તે સંદર્ભમાં સ્કાઈપ મારફતે એહમદ (સઈદ શુજા)એ કરેલા ઉચ્ચારણોને સાંભળનારા અને તેને પ્રશ્રો પૂછનારા મોટાભાગના પત્રકારો તેની વાત સાથે સંમત જણાયા ન હતા. ઈવીએમ સાથે ચેડાં ન થઈ શકે તેમ નથી હોતું તેવા તેણે આપેલા વચનનું તે નિર્ણાયક રીતે નિદર્શન ન કરી બતાવે ત્યાં સુધી લોકો તેની વાત માને તેવી શક્યતા નથી.
આશીષ રેએ ઉમેર્યું હતું કે IJA ને કશું છૂપાવવાનું ન હતું અને ખાસ કરીને આ બાબત જાહેર અને પારદર્શક હોય તેમ અમે ઈચ્છતા હતા. અમે ECI (ભારતનું ચૂંટણીપંચ) અને ECI દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતના તમામ રાજકીય પક્ષોને આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય પક્ષો તરીકે આમંત્રણ આપ્યું હતું.