લંડનઃ મેયર ઓફ લંડન સાદિક ખાનનો ભારત અને પાકિસ્તાનનો છ દિવસનો પ્રવાસ ઈતિહાસમાં ખૂબ જ યાદગાર બની રહેશે તેમાં કોઈ શંકા નથી. મુલાકાતના ચોથા દિવસે લંડનના મેયર ચાલતા વાઘા બોર્ડર પાર કરીને ભારતથી પાકિસ્તાન પહોંચ્યા હતા. આ સાથે જ બે પડોશી દેશોનો પગપાળા પ્રવાસ કરનારા તેઓ તેમની પેઢીના પ્રથમ બ્રિટિશ રાજકારણી બન્યા હતા. મુલાકાતના છેલ્લા દિવસે ૮ ડિસેમ્બરે સાદિક ખાને લંડનમાં થનારા સંખ્યાબંધ નવા મૂડીરોકાણોની જાહેરાત કરી હતી.
હબીબ યુનિવર્સિટી ખાતે સાદિક ખાને જણાવ્યું હતું કે તેમની બન્ને દેશોની આ મુલાકાત ખૂબ મહત્ત્વની હતી જેનો ફાયદો અત્યારે તેમજ આગામી વર્ષો સુધી તમામને મળશે. તેમણે ઉમેર્યું હતું કે લંડનમાં છેલ્લા દસ વર્ષમાં ભારતીય કંપનીઓ દ્વારા ચીન અને જાપાન કરતાં પણ વધુ ૪,૫૦૦ ઉપરાંત જોબ ઉભી કરાતા અમેરિકા પછી ભારત લંડનનું બીજા ક્રમનું સૌથી મોટું રોકાણકાર બન્યું છે.
બ્રિટન ઈયુમાંથી બહાર નીકળી રહ્યું છે ત્યારે બિઝનેસ, સ્ટુડન્ટસ અને ટુરિસ્ટ્સ માટે લંડન ખુલ્લું છે તે વાતની પાકિસ્તાન અને ભારતના લોકોને ખાતરી આપવા માટે બન્ને દેશોની મુલાકાત દરમિયાન સાદિક ખાન બિઝનેસ અને રાજકીય જગતના અગ્રણીઓને મળ્યા હતા. આ પ્રાંતમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુકે આવતા જ રહે તે સુનિશ્ચિત કરવા માટે યુકે સરકારે વધુ પગલાં લેવાની જરૂર છે. તેમણે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા ફરીથી દાખલ કરવાનું પણ સૂચન કર્યું હતું.
પાકિસ્તાન પહોંચ્યા પછી તેમણે લાહોરમાં મેયર સાથે બાદશાહી મસ્જિદ અને ઈકબાલના મકબરાની મુલાકાત લીધી હતી. સાદિક ખાને પંજાબ (પાકિસ્તાન)ના મુખ્યપ્રધાન દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. તે દરમિયાન તેઓ પાકિસ્તાની ગાયક અને અભિનેતા અલી ઝફર સહિત ઘણાં મહાનુભાવોને મળ્યા હતા.
પ્રવાસના અંતિમ તબક્કામાં સાદિક ખાને કરાંચીમાં મઝાર-એ-કૈદમાં સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાના મકબરાની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાનના સ્થાપકને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સાદિક ખાને જણાવ્યું હતું,‘ મોહમ્મદ અલી ઝીણા માત્ર પાકિસ્તાની લોકો માટે જ નહીં પરંતુ, વિશ્વના લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. લોકશાહી, મહિલા અધિકાર અને ધાર્મિક સ્વાતંત્ર્યના લડવૈયા તરીકે લોકો તેમને હંમેશા યાદ રાખશે. તાજતેરમાં લંડનમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવાનું મને સદભાગ્ય સાંપડ્યુ હતું અને અહીં કરાચીમાં તેમણે જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે સ્થળની મુલાકાત મારા માટે ખૂબ મહત્ત્વની રહી.’
લંડનના મેયર તરીકે પાકિસ્તાનની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન મારી અપેક્ષા લંડન અને પાકિસ્તાનના સંબંધ વધુ મજબૂત બનાવવાની રહી છે. હું સંદેશ આપવા માગું છું કે લંડન સૌને આવકારે છે. અમારા શહેરની મુલાકાત લઈને, ભણીને અને કામ કરીને મોહમ્મદ અલી ઝીણાના પગલે ચાલવા વધુ પાકિસ્તાની લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા માગુ છું.
સાદિક ખાને ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાન અબ્બાસીની પણ મુલાકાત લીધી હતી અને યુકે અને પાકિસ્તાન વચ્ચે મજબૂત સંબંધની ચર્ચા કરી હતી.
મુલાકાતના છેલ્લા દિવસે ૮ ડિસેમ્બરે સાદિક ખાને લંડનમાં થનારા સંખ્યાબંધ નવા મૂડીરોકાણોની કરાચીમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બ્રિટનમાં આઠ શાખા ધરાવતી હબીબ બેંક AG Zurich વધુ બે શાખા ખોલશે અને તેનાથી નવી ૫૦ જોબ ઉબી થશે. તેમણે ઉમેર્યું હતું કે તેમની એજન્સી લંડન એન્ડ પાર્ટનર્સે શહેરના ટેક સેક્ટરમાં ભારતીયોને ૪૦૦થી વધુ જોબ આપી હતી. Wipro કંપનીની પણ લંડનમાં ૧૩,૦૦૦ ચો.ફૂટની નવી ઓફિસ શરૂ કરવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું.