લંડન, નવી દિલ્હીઃ ભારતની ૧૭ જેટલી બેન્કોનું રૂપિયા ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવીને નાસતાફરતા વિજય માલ્યાએ લંડનમાં બેઠાં બેઠાં ભારતમાં રાજકીય વિવાદનો પલિતો ચાંપ્યો છે. વિજય માલ્યાએ સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, ભારત છોડતાં પહેલાં મેં નાણા પ્રધાન અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. હું સેટલમેન્ટ પ્લાન સાથે નાણા પ્રધાનને મળ્યો હતો, પરંતુ બેન્કોએ મારા સેટલમેન્ટ પ્લાન પર સવાલો ઊભા કર્યા હતા. મેં મારું બાકી લેણું ચૂકવવા માટે બેન્કોને ઘણી વાર પત્રો લખ્યા હતા. હું મારાં બધાં લેણાં નાણાં ચૂકવી દેવા માટે તૈયાર છું.
માલ્યાના આ નિવેદન સાથે જ ભારતમાં વિપક્ષ કોંગ્રેસ અને શાસક ભાજપ વચ્ચે આક્ષેપ - પ્રતિઆક્ષેપનો જંગ છેડાઇ ગયો છે. કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણાં પ્રધાન અરુણ જેટલી સામે માલ્યા સાથે સાંઠગાંઠ રચવાનો આરોપ મૂકીને નાણાં પ્રધાન પદેથી તેમના રાજીનામાની માગ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાને આ કેસમાં તાકીદે સ્વતંત્ર તપાસના આદેશ આપવા જોઈએ. તેમજ આ તપાસ ચાલતી હોય તે દરમિયાન જેટલીએ નાણાં પ્રધાનનું પદ છોડી દેવું જોઈએ. કોંગ્રેસના સાંસદ પી. એલ. પુનિયાએ તો સંસદ ગૃહમાં જેટલી અને માલ્યાને એક ખૂણામાં ઉભા રહીને ચર્ચા કરતા જોયા હોવાનો અને આ ચર્ચા ૧૫-૨૦ મિનિટ ચાલી હોવાનો દાવો કર્યો હતો.
બીજી તરફ, જેટલીએ ભાગેડુ વિજય માલ્યા સાથે કોઇ ઔપચારિક મુલાકાત થયાના દાવાને ફગાવ્યો હતો. તેમનું કહેવું છે કે માલ્યાને મળ્યો હતો, પરંતુ તે થોડીક મિનિટોની અલપઝલપ, અનૌપચારિક ચર્ચા હતી. માલ્યા રાજ્યસભાના સાંસદ તરીકેના તેમના અધિકારનો ઉપયોગ કરીને મને મળવા પહોંચી ગયા હતા.
વિજય માલ્યાનો દાવો
બેન્કોના અબજો રૂપિયાના દેવા તળે દટાઇને નાદારીના આરે પહોંચી ગયેલા કિંગફિશર જૂથના વડા વિજય માલ્યા અત્રેની વેસ્ટ મિનસ્ટર કોર્ટમાં ૧૨ સપ્ટેમ્બરે કોર્ટ કેસની સુનાવણી માટે પહોંચ્યા હતા. તેના પ્રત્યાપર્ણ માટે ભારત સરકારે કરેલી અરજીની સુનાવણી માટે પહોંચેલા માલ્યાએ સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, ભારત છોડતાં પહેલાં મેં નાણાં પ્રધાન અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. હું સેટલમેન્ટ પ્લાન સાથે નાણાં પ્રધાનને મળ્યો હતો, પરંતુ બેન્કોએ મારા સેટલમેન્ટ પ્લાન સામે સવાલો ઊભા કર્યા હતા. મેં મારું બાકી લેણું ચૂકવવા માટે બેન્કોને ઘણી વાર પત્રો લખ્યા હતા. હું મારાં બધાં લેણાં નાણાં ચૂકવી દેવા માટે તૈયાર છું. હું ભારતથી વિદેશ પ્રવાસે રવાના થયો હતો, કારણ કે જિનીવામાં મારી મિટિંગ હતી. આ પૂર્વે હું નાણાં પ્રધાનને મળ્યો હતો અને મેં બેન્કો સાથે સેટલમેન્ટના મારા પ્રસ્તાવનો પુનરોચ્ચાર કર્યો હતો, આ સત્ય છે. જોકે હું આ મુલાકાતની વિસ્તૃત માહિતી આપી શકું નહીં.’
વેસ્ટ મિન્સ્ટર કોર્ટમાં સુનાવણી પહેલાં માલ્યાએ જણાવ્યું હતું કે, મેં કર્ણાટક હાઇ કોર્ટ સમક્ષ વ્યાપક સેટલમેન્ટ યોજના રજૂ કરી છે. મને આશા છે કે, આદરણીય ન્યાયાધીશો મારી તરફેણમાં ચુકાદો આપશે. હું મારું દેવું ચૂકવવામાં સક્ષમ છું અને એટલે જ મેં સેટલમેન્ટની ઓફર આપી છે.
દરમિયાન, લંડનની વેસ્ટ મિન્સ્ટર કોર્ટે બુધવારે મુંબઈની આર્થર રોડ જેલના વીડિયો જોઈ સમીક્ષા કરી હતી. જોકે માલ્યાના વકીલોએ માગ કરી હતી કે અમે મુંબઈની આર્થર રોડ જેલની મુલાકાત લેવા માગીએ છીએ. વીડિયો જોઈને એમ લાગી રહ્યું છે કે, કોઈએ વીડિયો શૂટ કરતાં પહેલાં ઉતાવળે જેલને ચમકાવી દીધી છે.
બીજી તરફ, કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષના વકીલોએ જણાવ્યું હતું કે, કિંગફિશર જૂથ બેન્કોને જે માહિતી આપી રહી હતી તેનાથી કંપનીની સ્થિતિ કંઈક અલગ જ હતી. બેન્કો પાસેથી લોન લેવા માટે અરજી કરતી વખતે કિંગફિશરની કામગીરી અંગે ગેરમાર્ગે દોરતી માહિતી રજૂ કરવામાં આવી હતી.
‘હું રાજકીય ફૂટબોલ અને બલિનો બકરો’
માલ્યાએ જણાવ્યું હતું કે, હું રાજકીય ફૂટબોલ બની ગયો છું. તેની સામે હું નિઃસહાય છું. મારી નિયત ઘણી સાફ છે. મેં કર્ણાટક હાઈ કોર્ટ સમક્ષ મારી રૂપિયા ૧૫,૦૦૦ કરોડની સંપત્તિ મૂકી દીધી છે. મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. બંને રાજકીય પક્ષોને હું પસંદ નથી. હું ફરિયાદ પક્ષના કોઈ આરોપ સાથે સંમત નથી. કિંગફિશર કામ કરતી રહે તે માટે અમે રૂપિયા ૪,૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. મારા પર ગમે તે રીતે આરોપો મુકાઈ રહ્યા છે, હવે કોર્ટને જ નિર્ણય લેવા દો.
હું માલ્યાને સત્તાવાર મળ્યો જ નથી: અરુણ જેટલી
વિજય માલ્યાએ સનસનીખેજ દાવો કર્યા બાદ તરત જ નાણાં પ્રધાન અરુણ જેટલીએ ફેસબુક પર પોસ્ટ લખી હતી કે, વિજય માલ્યાનું નિવેદન હળાહળ જુઠ્ઠાણું છે. મેં ૨૦૧૪થી ક્યારેય માલ્યાને મુલાકાત માટે એપોઇન્ટમેન્ટ આપી જ નથી, તેથી મળવાનો સવાલ જ પેદા થતો નથી. હા, માલ્યા રાજ્યસભાના સાંસદ હતા અને તે વિશેષાધિકારનો દુરુપયોગ કરીને મારી ચેમ્બરની બહાર મને મળવા માટે પહોંચી ગયા હતા. આ સમયે હું ચેમ્બરની બહાર નીકળી રહ્યો હતો. મારી સાથે ચાલતાં ચાલતાં તેમણે મને કહ્યું હતું કે, હું સેટલમેન્ટની ઓફર આપી રહ્યો છું.
માલ્યા સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા કરોઃ સિંહા
ભાજપના અસંતુષ્ટ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, ફક્ત અરુણ જેટલીએ જ નહીં, પરંતુ ભાજપની સમગ્ર નેતાગીરીએ માલ્યા સાથેના તેમના સંબંધો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. ભાજપના તમામ નેતાઓએ વિજય માલ્યા સાથેના તેમના સંબંધો કેવા છે તે અંગેની વિગતો જાહેર કરવી જોઈએ. યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, જેટલી પરના આરોપોનો સરકારે જવાબ આપવો જોઈએ. વિપક્ષ આરોપ મૂકી રહ્યો હતો કે, સરકારે માલ્યાને ભગાડયા છે ત્યારે જેટલીએ સંસદમાં માલ્યા સાથેની મુલાકાતનો ઉલ્લેખ કેમ નહોતો કર્યો? આ મામલામાં સત્ય છુપાવવામાં આવ્યું છે તેથી વિશેષાધિકાર ભંગનો મામલો બને છે. નાણાં પ્રધાન અરુણ જેટલીને માલ્યા લંડન જઈ રહ્યાની જાણ હતી તો તેમણે તપાસ એજન્સીઓને જાણ કરવી જોઈતી હતી.
શું ખીચડી રંધાઈ તે જણાવોઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વિજય માલ્યાનો ખુલાસો અત્યંત ચોંકાવનારો છે. શા માટે નાણા પ્રધાને આ માહિતી અત્યાર સુધી છુપાવીને રાખી હતી? નીરવ મોદી ભાગે તે પહેલાં પીએમ મોદી મળે છે. વિજય માલ્યા નાસે છે તે પહેલાં નાણાં પ્રધાનને મળે છે. શું ખીચડી રંધાઈ તે લોકો જાણવા માગે છે. કેજરીવાલે સુબ્રમણ્યમ્ સ્વામીની ટ્વિટ રિટ્વિટ કરી હતી. જેમાં સ્વામીએ જણાવ્યું હતું કે, વિજય માલ્યા સામે લુકઆઉટ નોટિસ હોવાથી તે એરપોર્ટ પરથી ભાગી શકે તેમ નહોતા. માલ્યા દિલ્હી આવ્યા હતા અને કોઇને મળ્યા હતા. આ કોઇ શક્તિશાળી હતા, જે નોટિસને બદલી શકે. આ લુકઆઉટ નોટિસ બદલી નાખનાર કોણ હતું?