લંડનઃ ધ સિટી ઓફ લંડન કોર્પોરેશન અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયાના યજમાનપદે સિટી ઓફ લંડન એડવાઈઝરી કાઉન્સિલ ફોર ઈન્ડિયાના સભ્યો સાથે ગુરુવાર, બીજી જૂને ઓલ્ડ લાઈબ્રેરી, ગિલ્ડહોલ ખાતે પેનલચર્ચાનું આયોજન કરાયું હતું. ચર્ચાના સભ્યોમાં રાજીવ લુથરા (લુથરા એન્ડ લુથરા લો ઓફિસીસ), સ્ટુઅર્ટ મિલ્ને (HSBC), ઝીઆ મોદી (AZB એન્ડ પાર્ટનર્સ), નાસીર મુનજી (ડેવલપમેન્ટ ક્રેડિટ બેન્ક), રવિ નારાયણ ( NSE ઈન્ડિયા) અને દીપક પારેખ (HDFC ગ્રૂપ)નો સમાવેશ થયો હતો. આ ચર્ચાનું સંચાલન ચાવીરૂપ ઈન્ટરનેશલ ફાઈનાન્સિયલ સેન્ટર અને લંડનને અસરકર્તા પોલિસી મુદ્દાઓના અગ્રણી કેન્દ્ર સિટી ઓફ લંડન કોર્પોરેશનના પોલિસી ચેરમેન માર્ક બોલેટે કર્યું હતું. ચર્ચામાં મોદી સરકારના રીફોર્મ એજન્ડા વિશે ભારતીય હાઈ કમિશન અને ફાઈનાન્સિયલ સેક્ટરના નિષ્ણાતોના મત સ્પષ્ટ થયા હતા.
ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર ડો. વિરેન્દર પોલે વૈશ્વિક આર્થિક મંદીના વર્તમાન માહોલમાં પણ ભારતીય અર્થતંત્રની તાકાત અને પડકારો વિશે જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘રીફોર્મ ટુ ટ્રાન્સફોર્મ ઈન્ડિયા’નો સંદેશો વહેતો કર્યા પછી નાણા પ્રધાન અરુણ જેટલીએ પણ એપ્રિલમાં IMFની સાથે ચર્ચામાં આ બાબતો સ્પષ્ટ કરી હતી.
પેનલચર્ચામાં ભારતના રીન્યુએબલ એનર્જી સેક્ટરના વિકાસ, સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ, સર્વિસ સેક્ટરના વિકાસ, નાણાકીય સમાવેશ, સંરક્ષણક્ષેત્રે એફડીઆઈ સહિતના મુદ્દા આવરી લેવાયાં હતાં. નાસીર મુનજીએ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની ધીમી વૃદ્ધિનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે લાંબા ગાળાના ફાઈનાન્સિંગ-ધીરાણ માટે બેન્કોની મર્યાદા પણ દર્શાવાઈ હતી. ભારતમાં તંદુરસ્ત અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંસ્થાગત રીફોર્મ્સ, ભૂમિ અને શ્રમ સુધારા, ઈન્સ્યુરન્સ અને પેન્શન સંસ્થાઓ દ્વારા ૫૦ ટકા રોકાણોની છૂટ, ડેટ માર્કેટ્સ (વિદેશી રોકાણકારોને સ્થાનિક કરન્સીમાં રોકાણની છૂટ), સ્વતંત્ર નિયમન સંસ્થાઓ સહિતની ભલામણો કરવામાં આવી હતી.
રાજીવ લુથરાએ રીન્યુએબલ એનર્જી સેક્ટરના વિકાસ મુદ્દે ગંભીર ચિંતા દર્શાવતા પરિવારો દ્વારા રીન્યુએબલ એનર્જીના વપરાશની વિશાળ ક્ષમતા હોવાં છતાં સરકારી નીતિઓની યોગ્ય જાહેરાત થતી ન હોવાનું જણાવ્યું હતું.
પેનલમાં એ બાબતે સંમતિ સધાઈ હતી કે મોદી સરકાર દ્વારા નાણાકીય અને સામાજિક વિકાસ માટે સુનિયોજિત યોજના હોવાં છતાં તેનો અમલ ધીમો છે અને સુગઠિત સમીક્ષા થવી જરૂરી છે.