લંડનઃ અગ્રણી ભારતીય બિઝનેસીસના પ્રતિનિધિઓ સાથે લંડનના મેયર સાદિક ખાને બુધવાર, ૧૨ ઓક્ટોબરે સિટી હોલ ખાતે મુલાકાત યોજી હતી. તેનો હેતુ વધુ રોકાણ આકર્ષવાની તકોની શોધ અને લંડન બિજનેસ માટે ખુલ્લું હોવાની ખાતરી આપવાનો હતો. બેઠકનું અધ્યક્ષસ્થાન ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઈઝ, રાજેશ અગ્રવાલે સંભાળ્યું હતું.
મેયર સાદિક ખાને ઈયુ રેફરન્ડમના પરિણામોના પગલે કેપિટલ સાથે સંબંધો વધારવાની ચર્ચા લંડનમાં કાર્યરત ભારતની ૧૭ વિદેશી રોકાણ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે કરી હતી. આ બેઠકમાં એર ઈન્ડિયા, HCL ટેકનોલોજીસ, હિરાનંદાની, ICICI બેન્ક, ઈન્ફોસીસ, લલિત લંડન, ટાટા, ઉષા માર્ટિન ગ્રૂપ, એશિયન બિઝનેસ એસોસિયેશન, વિપ્રો અને CII સહિતની કંપનીઓ હાજર રહી હતી. યુરોપનું પ્રવેશદ્વાર ગણી ઘણી કંપનીઓએ બ્રિટનમાં ઓફિસો ખોલી હતી અને બ્રેક્ઝિટ પછી શું સ્થિતિ રહેશે તે મુદ્દે ભારતીય બિઝનેસીસે ચિંતા દર્શાવી હતી.
મેયર ખાને કેપિટલમાં ૫૦,૦૦૦ જેટલા લોકોને રોજગારી આપતા ભારતીય બિઝનેસીસને હૈયાધારણ આપી હતી કે બ્રેક્ઝિટ પછી પણ રાજધાનીમાં તેઓને આવકાર મળશે અને લંડન સમગ્ર વિશ્વમાંથી રોકાણ, વેપાર અને પ્રતિભાને આવકારશે. લંડનમાં સૌથી મોટા વિદેશી રોકાણકારોમાં ભારતીય કંપનીઓ બીજા ક્રમે હોવાથી મેયર તેમની સાથે સંબંધો વધુ મજબૂત બનાવવા આતુર છે. મેયરની પ્રમોશનલ કંપની લંડન એન્ડ પાર્ટનર્સના ડેટા અનુસાર જાપાન અને ચીન કરતા પણ લંડનમાં વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ ભારતથી આવે છે. ભારત સિવાય સૌથી વધુ રોકાણ યુએસનું છે. ભારત લંડન માટે મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે તેમજ કેપિટલના બિઝનેસીસ માટે મોટું બજાર પણ છે. વર્ષ ૨૦૧૪માં લંડનથી ભારતમાં ૧.૨૯ બિલિયનના મૂલ્યની નિકાસો થઈ હતી.
કાર્યક્રમ અગાઉ મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે,‘લંડન સમગ્ર વિશ્વમાંથી રોકાણ અને બિઝનેસ માટે ખુલ્લું છે અને ભારત સાથે તેના શ્રેષ્ઠ વેપારી સંબંધો છે. અમારું મહાન નગર વૈશ્વિક પ્રતિભાઓને આવકારવા સજ્જ હોવાની તેમને હૈયાધારણ આપીશ. લંડનમાં વધુ રોકાણને સહયોગ કેવી રીતે આપી શકાય તેની ચર્ચા કરવા હું આતુર છું.’
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (યુકે)ના વડા અને ડિરેક્ટર શુચિતા સોનાલિકાએ જણાવ્યું હતું કે,‘યુકેમાં રોકાણ કરતી ઝડપી પ્રગતિ ભારતીય કંપનીઓમાંથી ૪૦ ટકા તો લંડનમાં આવેલી છે, જેનાથી એ મુદ્દો સ્પષ્ટ થાય છે કે લંડન પ્રત્યક્ષ વિદેશી ભારતીય રોકાણ માટે પસંદગીનું સ્થળ છે. તેમની વૈવિધ્યપૂર્ણ કામગીરી આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, મીડિયા અને મનોરંજન, ટુરિઝમ તેમજ અન્ય પ્રકારોમાં પ્રસરેલી છે. તેમણે કહ્યું હતું કે,‘અમે આશા રાખીએ કે લંડન બિઝનેસ કરવા માટે આકર્ષક સ્થળ બની રહે અને બ્રેક્ઝિટ પછી પણ તેમના હિતો મજબૂત રહે. મેયર ખાન સાથે ભારતીય કંપનીઓની વાતચીત આ પ્રયાસની સાબિતી છે. ભારત અને લંડન વચ્ચે બિઝનેસ સંપર્કો વધુ ગાઢ બનાવવા CII મેયરની ટીમ સાથે કામ કરવા આતુર છે.’
યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ચીફ ઓપરેટિંગ ઓફિસર કેવિન મેક્કોલે કહ્યું હતું કે,‘લંડનમાં ભારતીય બિઝનેસનો મોટો ફાળો છે અને લંડનના બિઝનેસ ભારતમાં મોટો ફાળો આપે છે. આ વખતે બ્રેક્ઝિટના કારણે જે અનિશ્ચિતતા સર્જાઈ છે ત્યારે લંડનમાં ભારતીય બિઝનેસીસનાં મંતવ્યો સાંભળવા મેયર અને તેમના ડેપ્યુટીએ જે સમય કાઢ્યો અને લંડન બિઝનેસ માટે ખુલ્લું હોવાની હૈયાધારણ આપી છે તેનો યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલને આનંદ છે.’
બિઝનેસ સંપર્કોને વધુ મજબૂત બનાવવા ‘ઈન્ડિયા ઈમર્જિંગ ૨૦’ની ૨૦૧૭ની આવૃત્તિ માટે અરજી કરવા ભારતીય કંપનીઓને ઉત્તેજન અપાય છે. વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા ધરાવતી દેશની સૌથી ઈનોવેટિવ હાઈ ગ્રોથ કંપનીઓની ઓળખ કરવા લંડન એન્ડ પાર્ટનર્સ દ્વારા આ બિઝનેસ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે. બીજા સહયોગી પ્રોગ્રામ માટેની અરજીઓ ૧૩ ઓક્ટોબરથી ખુલ્લી મૂકાઈ છે, જેમાં ૨૦ ભારતીય કંપનીઓને લંડન આવવાની તક અપાશે, જ્યાં તેઓ મુખ્ય વૈશ્વિક કંપનીઓના સીનિયર બિઝનેસ અગ્રણીઓ, વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટર્સ અને નિર્ણયકર્તાઓને મળી અને શીખી શકશે.