લંડનઃ ભારતીય ઉદ્યોગસાહસિકોનું જૂથ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા જેવાં વિકસતા દેશોમાં સ્ટાર્ટ અપ્સના વિકાસને પ્રોત્સાહન આપવામાં સહાય કરે તેવી સંસ્થા સ્થાપવા સજ્જ થયું છે. આ જૂથના સ્થાપક અનુ શાહ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે આ વર્ષની શરૂઆતમાં તેમણે આ સાહસ સ્થાપ્યું હતું. ઈન્ક્યુબેટર ‘EFI Hub’ની મદદથી તેઓ અગ્રણી રોકાણકારો, સફળ એન્ટ્રેપ્રીન્યોર્સ, અગ્રણી પ્રોફેશનલ્સ, હાર્વર્ડ, ઓક્સફર્ડ અને જેવી ખ્યાતનામ સંસ્થાઓના ગેજ્યુએટ્સ તથા અગ્રણી રાજકારણીઓ અને સરકારી મધ્યસ્થીઓનો સંપર્ક મેન્ટર્સની ઈચ્છા રાખતા પ્રારંભિક તબક્કાના ઉદ્યોગસાહસિકો સાથે કરાવવા માગે છે. હાલ તેઓ કેન્યા, કિગાલી અને ભારતમાં કાર્યરત અનુ શાહ અને તેમના સાથીદારો પોતાના વિચારને આગળ ધપાવવા યુકેસ્થિત ભારતીયો અને આફ્રિકનો પાસેથી ભંડોળ એકત્ર કરવા બાબતે કામ કરી રહ્યાં છે.
‘EFI Hub’ સમગ્ર વિશ્વમાં સિલિકોન વેલી મોડેલને આગળ વધારવા ઈચ્છે છે અને સાઉથ આફ્રિકાના રાજકારણી તેમજ હાર્વર્ડના પૂર્વ વિદ્યાર્થી લવણ ગોપાલ મારફત તેના માટે ભંડોળ પણ એકત્ર કરાયું છે. જૂથના સલાહકાર બોર્ડમાં LogiNext ના ધ્રુવિલ સંઘવી, Innov8 ના રિતેશ મલ્લિક, Jetsetgoના કનિકા ટેકરીવાલ અને Lucideusના સાકેત મોદી જેવા યુવાન ભારતીય ઉદ્યોગસાહસિકો અને ઈન્વેસ્ટર્સનો સમાવેશ થાય છે. અનુ શાહે જણાવ્યું હતું કે તેઓ ૨૦૧૬માં ખાનગી ઈક્વિટી પ્રોફેશનલ તરીકે કાર્યરત હતાં અને તેમની કંપની માટે સોર્સિંગ અને રિજિયોનલ ઓફિસ સ્થાપવાના સોદા માટે ઈસ્ટ આફ્રિકાની મુલાકાતે ગયાં હતાં ત્યારે તેમને આ વિચાર આવ્યો હતો.
અનુ શાહે મુંબાઈના કોલ સેન્ટરમાં નોકરી કરવા ગુજરાત છોડ્યું ત્યારે તેમની પાસે ફક્ત ૨૦૦ રૂપિયા ($40) હતા. ચાલીમાં વસવાટ અને માસિક ૪૬૦૦ ($100)ના પગારમાં લગભગ કંગાળ હાલતમાંથી બહાર આવવાં તેમણે નોકરીઓ બદલે રાખી અને દુકાનોએ ફરી કન્ઝ્યુમર આઈટમ્સ વેચવા સેલ્સ રિપ્રેઝન્ટેટિવનું કામ શરું કર્યું હતું. આઠ કલાક ભારે ગરમીમાં શેકાતાં રહી તેમણે રોજ ૪૦ દુકાનોની મુલાકાત લઈ ૪૫૦૦ રુપિયાનું વેચાણ ટાર્ગેટ પાર પાડવાનું રહેતું જેમાંથી તેમને ૧૦ ટકા કમિશન તરીકે મળતાં હતાં. જોકે, તેમનો વેચાણ આંકડો હંમેશાં ઊંચો રહેતો અને સમય જતા તેઓ તે કંપનીના મેનેજર પણ બન્યાં હતાં. આ પછી તેમણે એક દાયકા સુધી ચાર ખંડ (નોર્થ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયા)ના સાત દેશોમાં કન્ઝ્યુમર ગુડ્સ, ટેકનોલોજી અને હેલ્થકેરના ક્ષેત્રો ઉપરાંત, એશિયા, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના ઉભરતાં બજારોમાં EY અને AT Kearney જેવી અગ્રણી કંપનીઓના M&A પ્રોફેશનલ અને સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કર્યું હતું.
અનુ શાહ ‘EFI Hub’ની મદદથી બિઝનેસીસ તેમજ કોમ્યુનિટીઝને સક્ષમ બનાવવા સાથે વૈશ્વિકસ્તરે સામાજિક પરિવર્તન લાવવા ઈચ્છે છે. સ્થાપના કરાયા પછી ‘EFI Hub’એ એશિયા અને આફ્રિકાના ઉભરતાં બજારોમાં સ્ટાર્ટ અપ્સને પાંખમાં લીધાં છે. આગામી બે-ત્રણ વર્ષમાં આ મોડેલને વિસ્તારી ભારત, સિંગાપોર, નાઈજિરિયા, સાઉથ આફ્રિકા અને રવાન્ડામાં મહત્ત્વના આર્થિક સત્તાકેન્દ્રો બનાવવાની તેમની યોજના છે. હાલ તેઓ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન, વર્લ્ડ બેન્ક અને રવાન્ડા ડેવલપમેન્ટ બોર્ડ સાથે ભાગીદારીની શક્યતાઓ ચકાસી રહ્યાં છે. (૪૬૯)