લંડનઃ ભારતીય ડાયસ્પોરાએ શનિવાર 24 ઓગસ્ટે હેઈઝના નવનાત સેન્ટર ખાતે ભારતના સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ભવ્ય ઊજવણી કરી હતી. વરસાદ હોવાં છતાં હજારો લોકો ઊજવણીમાં ભાગ લેવા ઉમટ્યા હતા. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીના મનનીય સંબોધન અને રાષ્ટ્રીય ગીતના ગાયન પછી ભારતના વિવિધ રાજ્યોના નૃત્યો રજૂ કરાયા હતા.
બીજી તરફ, ભારતના વિવિધ રાજ્યો દ્વારા તેમની શાકાહારી વાનગીઓ પીરસવાની શરૂઆત કરાઈ હતી. બંગાળ, હરિયાણા, કેરાલા, ગોવા, કર્ણાટક, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોએ તેમના આહારને પ્રેમપૂર્વક પીરસ્યો હતો. ગુજરાત તરફથી નેશનલ પાટીદાર સમાજ દ્વારા ભેળ, ઢોકળી, પાપડીનો લોટ અને ગુલાબજાંબુની વાનગીઓ પીરસાઈ હતી. ગુલાબજાબું તો ચપોચપ ઉપડી ગયા હતા! મને તો બંગાળી ખીચડી ઘણી ભાવી હતી. તમે એક પછી એક રાજ્યોના સ્ટોલની મુલાકાત લઈ પ્લેટ ભરીને સ્વાદિષ્ટ ભોજન લઈ શકતા હતા.
આપણામાંથી ઘણાને આપણા રાજ્ય સિવાય ભારતના અન્ય રાજ્યો વિશે પૂરતી માહિતી હોતી નથી. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રની સંસ્કૃતિ વિશે ઘણું ઓછું જાણીએ છીએ. તેમનું લેઝિમ નૃત્ય જોવાની મઝા આવી. હું આસામના એક ભાઈ સાથે વાત કરી રહ્યો હતો અને તેમનું નામ પૂછ્યું તો કહે બાબુલાલ! આ નામ તો ગુજરાતી જ લાગ્યું. જોકે, આસામના અન્ય એક ભાઈનું પણ આ જ નામ હતું. કેરાલા, તામિલનાડુના લોકોના પ્રથમ નામ પણ ગુજરાતી દીલીપ, પ્રકાશ જેવા જ હોય છે.
લંડનમાં 2024માં ઈસ્ટ આફ્રિકન ભારતીયો હવે લઘુમતીમાં છે, ભારતીયોની હવે બહુમતી છે. ઘણાં વ્યવસાયોમાં ભારતીયો અગ્રસ્થાનો પર છે છતાં, તેઓ પોતાના ધર્મ અને સંસ્કૃતિ વિશે ઘણો ગર્વ અને ગૌરવ ધરાવે છે. ભારતના ઘણા રાજ્યોના પ્રતિનિધિઓ સાથે લંડનમાં મિની ઈન્ડિયા રચાયેલું છે. આપણી હાજરી જ ઈતિહાસ રચી રહી છે. ઈસ્ટ આફ્રિકન ભારતીયો દ્વારા સ્થાપિત મંદિરો અને કોમ્યુનિટી સેન્ટર્સનું સંચાલન હવે ભારતીયો હસ્તક છે. તેમણે આપણા ધર્મમાં જોશ અને ઊર્જા ભરી દીધી છે.
આ ઈવેન્ટ આંખો ખોલી દેનારો છે જ્યાં તમને અન્ય રાજ્યોના ખોરાક અને સંસ્કૃતિના દર્શન થાય છે. તમને તરત જ અહેસાસ થઈ જશે કે આપણે તો ખરેખર એક જ છીએ.