લંડનઃ ભારતના પંજાબમાં શીખ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કથિત પાશવતાના વિરોધમાં સેન્ટ્રલ લંડનમાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર શીખોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાંતિપૂર્ણ વિરોધ અચાનક હિંસક બની ગયો હતો અને એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં પોલીસે ૨૦ શીખ દેખાવકારની ધરપકડ કરી હતી. પ્રદર્શનના કારણે ભારતીય મિશનની આસપાસ ઘેરાબંધી કરાઈ હતી. મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે દેખાવકારો રસ્તાઓ બ્લોક કરતાં પોલીસને કાર્યવાહી કરવી પડી છે.
પંજાબના ફરીદકોટમાં ધાર્મિક ગ્રંથ શ્રી ગુરુગ્રંથ સાહિબના ફાટેલા પાનાં મળ્યા બાદ ધાર્મિક ગ્રંથના અપમાનના વિરોધમાં શીખોની સંસ્થા ‘શીખ લાઈવ્ઝ મેટર્સ’ના સેંકડો સભ્યોએ ભારતીય દૂતાવાસ બહાર ધરણા અને દેખાવો કર્યા હતા. ફરીદકોટની હિંસામાં બેનાં મોત થયાં હતાં. જ્યારે લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર શાંતિપૂર્વક યોજાઈ રહેલા શીખોના દેખાવો અચાનક હિંસક બનતાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે દૂતાવાસને ચોમેરથી કોર્ડન કરી દીધું હતું અને હિંસા આચરી રહેલા ૨૦ શીખની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ‘ભારતીય હાઈ કમિશન બહાર દેખાવોના આયોજન વિશે તેમને જાણ હતી. આરંભે દેખાવો શાંતિપૂર્ણ હતા, પરંતુ દેખાવકારોએ એલ્ડીચ સહિતના માર્ગો પર અવરોધ સર્જતા એક્શન લેવાની ફરજ પડી હતી. પ્રજાને મુશ્કેલી ના પડે તે હેતુસર પોલીસ લાયઝન ઓફિસરોએ હાજર દેખાવકારો સાથે વાટાઘાટોનો પ્રયાસ કર્યો હતો.
શીખ પીએ સંસ્થાના પ્રવક્તા જસવીરસિંહ ગીલે કહ્યું હતું કે,‘તેમના વિરોધ પ્રદર્શનનો હેતુ બ્રિટનના શીખો પણ ભારતીય સત્તાવાળાના હાથે યાતનાગ્રસ્ત પંજાબી શીખ સમુદાય સાથે એકસંપ છે તે ભારતીય અધિકારીઓને એ દર્શાવવાનો હતો.’