લંડનઃ પૂર્વ ઈંગ્લેન્ડની એક શાળામાં રમકડાની ગનથી રમતા બે બાળકોની પૂછપરછ કરવાના મુદ્દે તેમના પરિવારને વળતર આપવાનું સેન્ટ્રલ બેડફોર્ડશાયર કાઉન્સિલે સ્વીકાર્યું છે. ગત માર્ચ મહિનામાં આ બાળકો કટ્ટરવાદી બનવાનું જોખમ ધરાવતા હોવાની પોલીસને માહિતી મળતા પૂછપરછ કરાઈ હતી. જોકે, તેમને કશું ચિંતાજનક જણાયું ન હતું.
સાત અને પાંચ વર્ષના બે ભાઈની માતા ભારતીય હિન્દુ વારસો ધરાવે છે, જ્યારે પિતા મિડલ ઈસ્ટના દેશના છે. માતાએ કહ્યું હતું કે‘ શરીરના વર્ણ સિવાય તેમને કટ્ટરવાદિતા સાથે સાંકળતી કોઈ બાબત નથી. ઘરમાં કોઈ અરબી ભાષા બોલતું નથી કે બાળકો મસ્જિદમાં ગયા નથી છતાં, તેમના વિશે આવી વાતો કરાઈ છે. મારાં બાળકો ગભરાઈ ગયાં છે.’
કાઉન્સિલે જણાવ્યું હતું કે બાળકો સામે વંશીય ભેદભાવ આચરાયો હતો અને માફી માગવા સાથે તેમને વળતર આપવા સંમતિ દર્શાવી છે. વળતરની રકમ જાહેર કરાઈ નથી.