ભારતીય બિઝનેસમેન દ્વારા હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવે માટે સસ્તા વિકલ્પની ઓફર

રુપાંજના દત્તા Wednesday 19th July 2017 07:06 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના બિઝનેસમેન અને હોટેલ મેગ્નેટ સુરિન્દર અરોરાએ લંડનના હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવે માટે સસ્તા વિકલ્પની ઓફર કરી છે. સૌપ્રથમ વખત બ્રિટિશ એશિયન ઉદ્યોગસાહસિકે આવી પ્રણેતારુપ દરખાસ્ત રજૂ કરી છે. લાંબા સમયથી એશિયન કોમ્યુનિટીમાં જાણીતા સુરિન્દર અરોરા સ્વબળે આગળ આવેલા ઉદ્યોગસાહસિક છે. તેમનું ગ્રૂપ સાઉથ ઈસ્ટ લંડનમાં O2 સેન્ટરસ્થિત પ્રખ્યાત ઈન્ટરકોન્ટિનેન્ટલ સહિત ૧૬ હોટેલની માલિકી ધરાવે છે, જેમાંની મોટા ભાગની હીથ્રો, ગેટવિક અને સ્ટેનસ્ટેડની આસપાસ આવી છે. મોટા પ્રોપર્ટી પોર્ટફોલીઓ સાથે તેમના બિઝનેસનું મૂલ્ય ૨૨૦ મિલિયન પાઉન્ડથી વધુ થવા જાય છે. ગયા વર્ષે તેમના બિઝનેસે ૧૭૫.૩ મિલિયન પાઉન્ડના વેચાણ પર ટેક્સ અગાઉનો ૧૧.૭ મિલિયન પાઉન્ડનો નફો મેળવ્યો હતો.

ટોની બ્લેર અને સર ક્લિફ રિચાર્ડને ગાઢ મિત્ર ગણાવી શકે તેવા સંપર્કો ધરાવતા ૫૮ વર્ષીય અરોરા ભારે શરમાળ છે. જોકે, હીથ્રો માટે ત્રીજા રનવેની યોજના રજી કર્યા પછી તો તેઓ પ્રકાશમાં આવી ગયા છે. તેમની યોજના એરપોર્ટની વર્તમાન યોજનાની સરખામણીએ પાંચ બિલિયન પાઉન્ડ સસ્તી રહેશે તેવો અરોરાનો દાવો છે. બ્રિટિશ એરવેઝ તેમજ વર્જિન એટલાન્ટિક દ્વારા અરોરાની યોજનાને નવો વિચાર ગણાવી આવકાર અને સપોર્ટ અપાયો છે. અરોરા ગ્રૂપની દરખાસ્તોમાં ટર્મિનલ બિલ્ડિંગ્સ અનેટેક્સીવેઝની ડિઝાઈન બદલવા તેમજ રનવે બંધાવાનો છે તે જમીનનું પ્રમાણ ઘટાડવાનો સમાવેશ થાય છે. તેઓ સ્પેનિશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાયન્ટ ફેરોવાયલ, ધ કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તથા કેનેડિયન પેન્શન ફંડ CDPQની માલિકીના કોર્પોરેશનનો સામનો કરી રહ્યા છે. હીથ્રો એરપોર્ટના બોસ ટેલર વિમ્પેના પૂર્વ ડિવિઝનલ ડિરેક્ટર જ્હોન હોલાન્ડ-કાયે છે.

અરોરા માત્ર ૧૩ વર્ષના હતા ત્યારે ૧૯૭૨માં ભારતથી યુકે આવ્યા હતા. તેમણે તરુણાવસ્થાના વર્ષો હીથ્રોથી પાંચ મીલ દૂર સાઉથોલમાં વીતાવ્યા હતા. તેમણે ૧૮ વર્ષે શાળા છોડી હતી અને જુનિયર ક્લાર્ક તરીકે નોકરી પણ કરી હતી. તેમણે ખાનગી ફ્લાઈંગ કોર્સ કરવા માટે હોટેલમાં વેઈટર તરીકે કામગીરી પણ સ્વીકારી હતી. આગળ જતા તેઓ આ હોટેલના માલિક બન્યા હતા.

આ પછી, તેઓ એબી લાઈફમાં ફાઈનાન્સિયલ એડવાઈઝર બન્યા અને તેમની ફાજલ આવકનું રોકાણ પ્રોપર્ટીમાં કરવા લાગ્યા હતા. તેમણે ખરીદ કરેલી બિલ્ડિંગ્સમાં સૌપ્રથમ પ્રોપર્ટી લોન્ગફર્ડમાં હીથ્રો લોજની માલિકી આજે પણ ધરાવે છે. ગોલ્ફ અને ટેનિસ રમવાના શોખીન અરોરાના પત્નીનું નામ સુનીતા છે અને ત્રણ બાળકો- સપના (૩૩), સોનિયા (૩૧) અને સંજય (૨૮) તેમજ પાંચ ગ્રાન્ડચિલ્ડ્રનનો પરિવાર ધરાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં અરોરાએ જણાવ્યું હતું કે,‘અમે પેસેન્જર્સને અમારી યોજનાઓના કેન્દ્રમાં રાખવા માગીએ છીએ અને એરલાઈન્સ પાસેથી વધુ ચાર્જ મેળવતી અને પેસેન્જર્સ માટે ભાડાં વધારતી હીથ્રોની વર્તમાન મોનોપોલી ભવિષ્ય માટે યોગ્ય મોડેલ નથી. હીથ્રોને વિસ્તરણ પ્રોજેક્ટના કેન્દ્રમાં પેસેન્જર્સ અને એરલાઈન્સને રાખે તેવી સ્પર્ધા અને ઈનોવેશનની જરૂર છે.’

તેમણે ઉમેર્યું હતું કે,‘ અમે સરકાર સમક્ષ રજૂ કરેલા એક વિકલ્પમાં રનવેને બદલવાની શક્યતાનો સમાવેશ થાય છે, જેથી તેની અસર M25 અને M4ને થાય નહિ કારણકે આપણે જાણીએ છીએ કે M25 જંક્શનને અસર થાય તો તે સમગ્ર પ્રોજેક્ટની અસરકારકતા ભયમાં મૂકી શકે છે. અમે માનીએ છીએ કે રાજકીય દૃષ્ટિએ આ સંવેદનશીલ મુદ્દો છે પરંતુ, આ ૧.૫ બિલિયન પાઉન્ડના વધારાની બચત સાથેનો એક વિકલ્પ માત્ર છે. બીજી તરફ, અમારી અન્ય દરખાસ્તો રનવેના સ્થળને સુધારવાની જરૂર વિના જ ૫.૨ બિલિયન પાઉન્ડ સુધીની બચત કરાવી શકશે.’

એરપોર્ટનો વર્તમાન રનવે પ્લાન એરલાઈન અને પેસેન્જર ચાર્જીસના કથિત વધારવા સાથે ૧૬ બિલિયન પાઉન્ડ ખર્ચનો અંદાજ દર્શાવે છે. બ્રિટિશ એરવેઝ હીથ્રોની સૌથી મોટી ગ્રાહક છે. બ્રિટિશ એરવેઝના માલિક IAGના ચીફ એક્ઝિક્યુટિવ વિલિ વોલ્શે આ દરખાસ્તોને આવકારી છે. તેમણે અરોરાની આ દરખાસ્તો ખર્ચમાં નોંધપાત્ર બચત કરતી હોવાથી તેનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવા સરકારને અનુરોધ કરી ઉમેર્યું હતું કે બ્રેક્ઝિટ પછીના યુકેમાં હીથ્રોએ યુરોપિયન કેન્દ્રો સાથે અસરકારક સ્પર્ધા કરવી પડશે.

સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘હીથ્રો વિસ્તરણ દરખાસ્તોને સરકારનો અને તમામ રાજકીય, બિઝનેસ અને યુનિયન્સનો વ્યાપક ટેકો છે. અમે પ્રવાસીઓના અનુભવ સુધારવા, સ્થાનિક કોમ્યુનિટીઓ પરની અસર ઘટાડવા અને ખર્ચ ઓછાં કરવા અમારી યોજઓમાં સુધારાવધારા કરતા જ રહીએ છીએ. અમારી સમક્ષના કેટલાક વિકલ્પો આ રજૂઆતમાં સૂચવાયેલા વિકલ્પો જેવાં જ છે અને આ વર્ષના ઉત્તરાર્ધમાં આ વિશે જાહેર પરામર્શમાં મંતવ્યોને અમે આવકારીશું.’

જોકે, હીથ્રો એરપોર્ટના જણાવ્યા અનુસાર રનવેનું અંતર ઘટાડવા અને તેને પૂર્વ દિશામાં ખસેડવાની અરોરાની યોજના ઘોંઘાટ પ્રદુષણના જોખમને વધારી શકે છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની વિશેષ વાતચીતમાં અરોરાએ વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે,‘અમારી ૫.૨ બિલિયન પાઉન્ડની બચત કરવાની યોજનામાં રનવેને ખસેડવાનો તેમજ ઘોંઘાટ અંગે હીથ્રોની વર્તમાન યોજનાઓ બદલવાનો સમાવેશ થતો નથી. બીજું, સરકારને અમે વધુ એક વિકલ્પ પણ આપ્યો છે, જે અમારા પ્લાનિંગમાં કેન્દ્રસ્થાને કે અમારી યોજનામાં આગળ વધવા જરૂરી પણ નથી. સરકાર તેને નકારી પણ શકે છે. આ વધારાના વિકલ્પમાં રનવે થોડો પૂર્વમાં ખસેડવાની વાત છે. અમે તેમાં ઘોંઘાટની અસર તપાસવા નિષ્ણાતોને રોક્યા હતા, જેમનો પારદર્શક રિપોર્ટ ઓનલાઈન http://heathrow.thearoragroup પર મૂકાયો છે.’

હીથ્રોના ત્રીજા રનવેનું કાર્ય ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી શરૂ થવાનું નથી. રનવેની પર્યાવરણીય અસરો મુદ્દે કાનૂની પડકારોથી તેમાં વિલંબ પણ થઈ શકે છે. ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટના જણાવ્યા મુજબ હીથ્રોનો નવો રનવે પ્રવાસીઓને તેમજ વિશાળ અર્થતંત્રને ૬૧ બિલિયન પાઉન્ડના મૂલ્યનો આર્થિક લાભ આપશે તથા આગામી ૧૪ વર્ષના ગાળામાં વધારાની ૭૭,૦૦૦ સ્થાનિક નોકરીઓનું સર્જન પણ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter