લંડનઃ ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિનની ‘ઈન્ડિયન લેડીઝ ઈન યુકે’ ના ફલેશ મોબ દ્વારા ૧૩ ઓગસ્ટે લંડનના પ્રખ્યાત સ્થળ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં અનોખી ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪માં ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ લંડનની મુલાકાતે આવ્યા ત્યારે આ ગ્રૂપની મહિલાઓએ ગૂંથણકામવાળું બ્લેન્કેટ તેમને ભેટ આપ્યું હતું. સંસ્થા દ્વારા સેંકડો જરૂરતમંદ તથા ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરાય છે.
ફલેશ મોબની કોરિયોગ્રાફી સુમિત સચદેવના નેતૃત્વ હેઠળ તેમના સ્ટેપ ૨ સ્ટેપ બોલિવુડ ડાન્સ એકેડમી દ્વારા કરાઈ હતી. એક વર્ષના ગાળામાં ગ્રૂપનો આ ત્રીજો કાર્યક્રમ હતો. મહિલાઓના સશક્તિકરણ માટે તે મહત્ત્વનું પૂરવાર થયું છે.
‘ઈન્ડિયન લેડીઝ ઈન યુકે CIC’ના સ્થાપક પૂનમ જોશીએ જણાવ્યું હતું કે આપણા ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરતાં મને ખૂબ આનંદ થાય છે. યોગાનુયોગ આ અમારો પ્રથમ સ્થાપના દિન છે. આ યુકેમાં ભારતની ઉજવણી છે. તેનાથી શીખાઉ નૃત્ય કલાકારો કલાના નિદર્શનથી સશક્ત બને છે, તેમનો વિશ્વાસ વધે છે. ભારતીય મહિલાઓ તરીકે અમે જ્યારે કોઈ પણ કાર્ય હાથ ધરીએ તે કરીને જ રહીએ છીએ. યુકે આવેલી પહેલી પેઢીની ભારતીય મહિલાઓના જીવનમાં ફેરફાર કરવાના ઉદ્દેશથી અમે શરૂઆત કરી હતી. ભારતીય મહિલાઓ માટેની સંસ્થા‘ઈન્ડિયન લેડીઝ ઈન યુકે’ની સભ્યસંખ્યા એક વર્ષમાં ૧૧,૦૦૦ કરતાં વધી ગઈ છે.
કાર્યક્રમમાં ભાગ લેનારા એકતા ગુપ્તાએ જણાવ્યું હતું કે ILU એ મને ભારતીય હોવાનું ગૌરવ અપાવ્યું છે અને પરિવાર જેવો અનુભવ કરાવ્યો છે, જેનો મને ખૂબ આનંદ છે. મને વિદેશમાં પણ ઘર જેવો અહેસાસ થાય છે.