લંડનઃ ડેબિટ કાર્ડની ચોરી કરી તેના દ્વારા મશીનમાંથી ૮૦૦ પાઉન્ડ કાઢવા બદલ ભારતીય મૂળના ૪૦ વર્ષીય પોસ્ટમેન સરબજીતને લેસ્ટર ક્રાઉન કોર્ટે ૧૨ મહિનાની સજા ફટકારી હતી. સરબજીતે બે કાર્ડની ચોરી કરી તેનો પીન જાણી નાણા કાઢ્યા હતા અને ૬૦ પાઉન્ડના બર્થ-ડે કાર્ડ સહિત શોપિંગ વાઉચર ખરીદ્યા હતા.
સરબજીતે શરૂઆતમાં આરોપો નકારી અંતે કબૂલાત કરી હતી અને ચોરેલા પૈસા પાછા આપવા તેમજ કોર્ટ કેસના આશરે ૧૦૦૦ પાઉન્ડ આપવા ઓર્ડર કરાયો હતો. તેણે સમાજમાં તેની આબરૂ ગુમાવી છે અને પ્રારંભના આરોપોનો ઈનકાર કરીને એના કેસને નબળો પાડ્યો હતો એમ જજ નિકોલસ ડીને કહ્યું હતું. તેમણે આરોપીને કહ્યું હતું કે તમારી પર નાણાકીય દબાણ હોઈ શકે છે પરંતુ એક પોસ્ટમેન માટે ચોરી કરવી એ તો શરમજનક અને ગંભીર બાબત છે. તમારા જેવા લોકો કે જેઓ સામાન, મૂલ્યવાન વસ્તુઓ અને દસ્તાવેજ લાવે છે તેમની પર જનતા ભરોસો કરે છે.