લંડનઃ ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીય મૂળના એક પ્રજ્ઞાચક્ષુને રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે એક ઘોડો અપાશે. ભારતીય મૂળના પત્રકાર મોહમ્મદ સલીમ પટેલ (૨૪) લેન્કેશાયરના બ્લેકબર્નમાં રહે છે. તેઓ આંખોની રેટીનાઇટિસ પિગમેન્ટોસા બીમારીથી પીડિત છે. આ બીમારીમાં દર્દીની આંખોની રોશની ધીમે-ધીમે ઘટતી જાય છે અને છેવટે તે સંપૂર્ણપણે દ્રષ્ટિહીન થઈ જાય છે.
સલીમ દેશના એવા પ્રથમ પ્રક્ષાચક્ષુ હશે જેમને સહાયક પશુ તરીકે ઘોડો અપાશે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં મદદ માટે ડોગ અપાય છે. પરંતુ, સલીમ બાળપણમાં એક દુર્ઘટનાનો શિકાર બન્યા બાદ ડોગ્સથી ડરે છે. તેથી તેમને ગાઇડ કરવા માટે ઘોડો અપાઈ રહ્યો છે.
‘ડિગ્બી’ ૪૦ વર્ષ સુધી સલીમ સાથે રહી શકશે
સલીમે જણાવ્યું હતું,‘ ઘોડાનું નામ ‘ડિગ્બી’ છે. આવતા વર્ષે મે મહિનામાં તે બે વર્ષનો થશે. તેની ટ્રેનિંગમાં હજુ બે વર્ષનો સમય લાગશે. ટ્રેનિંગ પૂરી થયા બાદ હું તેને મારા ઘેર લઈ જઈશ.’ ડોગ ગાઇડ અંગે તેમણે કહ્યું,‘ સામાન્ય રીતે એક ડોગ ૮ વર્ષ સુધી કોઈ વ્યક્તિને ગાઇડ કરી શકે છે જ્યારે ડિગ્બી ૪૦ વર્ષ સુધી મારો સાથ આપી શકશે.’