લંડનઃ ભારતીય મૂળની દસ વર્ષીય રિયા ચેનલ 4ની ટેલિવિઝન ક્વીઝ સ્પર્ધા ‘ચાઈલ્ડ જીનિઅસ ૨૦૧૬’ સ્પર્ધા જીતીને બ્રિટનની સૌથી તેજસ્વી બાળા બની હતી. સ્પર્ધાના ચાર વર્ષના ઈતિહાસમાં તે સૌથી નાની વયની વિજેતા છે. ફાઈનલમાં તેણે ૯ પોઈન્ટ મેળવ્યા હતા. અગાઉ રિયા અને તેની હરીફ સેફીને ૧૦-૧૦ પોઈન્ટ મળતા એક રાઉન્ડ ડ્રો થયો હતો. આ પહેલા રિયા છ સાચા જવાબો આપીને ફાઈનલમાં પહોંચી હતી. યુકે શિફ્ટ થયા અગાઉ તેની ૪૧ વર્ષીય માતા સોનલ અને ૪૨ વર્ષીય પિતા અનીશ અમેરિકા રહેતા હતા.
શોના પ્રસ્તુતકર્તા રિચાર્ડ ઓસ્માને આ સ્પર્ધાને ચાઈલ્ડ જીનિઅસના ઈતિહાસમાં સૌથી રોમાંચક ફાઈનલ ગણાવીને જણાવ્યું હતું કે ૧.૩ મિલિયન દર્શકોએ ફાઈનલ નિહાળી હતી. રિયાએ 'eleemosynary' ( અર્થ- સખાવતી) શબ્દનો સાચો સ્પેલિંગ જણાવતા ચાર સપ્તાહ ચાલેલી આ સ્પર્ધાનો અંત આવ્યો હતો અને તે ટાઈટલ જીતી ગઈ હતી.
ફાઈનલમાં પહોંચેલી રિયા અને સેફી બન્નેની માતાએ સ્પર્ધા માટે પુત્રીને તૈયાર કરવા માટે પોતાની કારકિર્દીનો ભોગ આપ્યો હતો. સોનલ પ્રસુતિ નિષ્ણાત છે અને સેફીની માતા એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી.
રિયાએ જણાવ્યું હતું,‘હું વહેલા ઉઠતી હતી. રાત્રે મોડેથી સૂતી હતી. સતત અભ્યાસ કરતી હતી. આ સ્પર્ધા જીતીને હું ખૂબ ગૌરવ અનુભવુ છું.’
જોકે, લોકોએ સોશિયલ મીડિયામાં તેની માતા સોનલને અતિ મહત્ત્વાકાંક્ષી ગણાવી હતી.
સોનલે જણાવ્યું હતું,‘રિયાને આ પ્રવૃત્તિ ગમે છે. આ શો દ્વારા પોતાના જેવા બાળકો સાથે રહેવાની તેમને તક મળે છે.’