લંડનઃ ભારતીય મૂળની ૬૨ વર્ષીય મહિલા કાઉન્સિલર હરભજન કૌર ધીર લંડનમાં ઇલિંગ કાઉન્સિલમાં પ્રથમ એશિયન મહિલા મેયર તરીકે ચૂંટાયાં છે. તેજ રામ બઘાના સ્થાને ચૂંટાયેલાં હરભજન ધીર બાળકો, વૃદ્ધો અને માનસિક આરોગ્યની સમસ્યા ધરાવનારાના અધિકારોના વિશેષ હિમાયતી છે. ધીરનાં પતિ કાઉન્સિલર રણજીત ધીર પણ ૨૦૦૧-૨૦૦૨ના ગાળામાં ઇલિંગનાં મેયર રહી ચૂક્યાં છે.
મેયર બન્યાં પછી કોરે જણાવ્યું હતું કે લંડનમાં ઇલિંગ કાઉન્સિલના મેયર બનવું તે વિશેષાધિકાર સાથે મોટો પડકાર પણ છે. પંજાબમાં ૧૯૫૩માં જન્મેલાં હરભજન ધીર ૧૯૭૫માં બ્રિટન આવ્યાં હતાં. તેમણે વોલન્ટીઅર હોમ વિઝિટર તરીકે કામ કરવા ઉપરાંત, મહિલાઓને અંગ્રેજી શીખવામાં મદદ કરતાં હતાં. તેઓ ઈલિંગની અનેક શાળાઓમાં ગવર્નર પણ રહ્યા છે. કોરે ૧૯૯૫માં કિંગ્સ્ટન યુનિવર્સિટીમાંથી સોશિયલ સાયન્સીસમાં ડીગ્રી મેળવી હતી.