કિંગસ્ટનઃ રોયલ બરો ઓફ કિંગસ્ટન અપોન થેમ્સના ભારતીય મૂળના મેયર કાઉન્સિલર રોય સંજીવ અરોરા અને તેમના પત્ની મનિષા પટેલ અરોરાએ ૨૦૧૫-૧૬માં તેમની મેયરલ ચેરિટી તરીકે કિંગસ્ટન હોસ્પિટલ ડિમેન્શીઆ અપીલની પસંદગી કરી હતી. કિંગસ્ટન હોસ્પિટલે તેના વૃદ્ધોની સારસંભાળ માટેના વોર્ડને સંપૂર્ણપણે ડિમેન્શીઆ ફ્રેન્ડલી વાતાવરણમાં ફેરવી નાખ્યો છે. આ વોર્ડ મંગળવાર, ૨૨ નવેમ્બરે ખુલ્લો મૂકાયો હતો.
મેયર અને તેમના પત્નીએ ડિમેન્શીઆ વિશે જાગૃતિ કેળવી ૭૫,૦૦૦ પાઉન્ડની માતબર રકમ એકત્ર કરી હતી, જે કિંગસ્ટનના કોઈ પણ મેયરે એકત્ર કરેલી રકમથી વધુ છે. રોય, મનિષા અને તેમની દીકરી સોનાલીએ પ્રીવ્યુની સાંજે આ ચેક અર્પણ કર્યો હતો. તેમના ટેકાનો આભાર પ્રદર્શિત કરવા માટે ડર્વેન્ટ વોર્ડના ડે રુમને ‘મનિષા અરોરા’ ડે રુમ નામાભિધાન કરાયું હતું. કાઉન્સિલર અરોરાએ જણાવ્યું હતું કે,‘ દર્દીઓને કિંગસ્ટન હોસ્પિટલના નવા ડિમેન્શીઆ ફ્રેન્ડલી વોર્ડમાં શ્રેષ્ઠ સંભાળ પ્રાપ્ત થશે. આ શક્ય બનાવવામાં સાથ આપનારા તમામનો અમે આભાર માનીએ છીએ. આપણા વડીલો અને કિંગસ્ટન કોમ્યુનિટીની સારસંભાળ લેવામાં અમે ગૌરવ અનુભવીએ છીએ.’
કિંગસ્ટન હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે ક્લિનિકલ ડિરેક્ટર ફોર એલ્ડરલી કેર, ડો. લુઈ હોગે ડર્વેન્ટ વોર્ડના રૂપાંતરને બિરદાવ્યું હતું. જો તમે ડિમેન્શીઆ અપીલને ટેકો આપવા ઈચ્છતા હો તો [email protected]ને ઈમેઈલ કરી શકો છો.