લંડનઃ પાર્લામેન્ટથી થોડાં જ અંતરે આવેલા પ્રસિદ્ધ ભારતીય રેસ્ટોરાં સિનામોન ક્લબે તેના ગ્રાહકોને મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગી ‘ખિસકોલી કરી’ પીરસવાનું શરૂ કર્યું છે. રેસ્ટોરાંના મુખ્ય શેફ રાકેશ નાયરના ગ્રે સ્ક્વીરલને રાંધવાના પ્રયોગને સફળતા મળી છે.
‘ખિસકોલી કરી’ ચાખનારા પ્રથમ ગ્રાહકોમાં લંડન અને વેસ્ટમિન્સ્ટર શહેરોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ટ સાંસદ માર્ક ફિલ્ડનો સમાવેશ થયો હતો. તેમણે આ નવતર વાનગીને વખાણવા સાથે કહ્યું હતું કે, ‘ખિસકોલી ખાવાના વિચારથી મારા બાળકોને કમકમાટી આવી જવાની મને શંકા છે.’ કોથમીર, લવિંગ, લસણ, મરચાં અને પાઈનેપલ જ્યુસ મિશ્રિત માંસને તંદુર ઓવનમાં પકાવી તથા શાકભાજીના અથાણાં, કોથમીરની ચટણી અને લસણ નાન સાથે પીરસાતી વાનગીની વ્યક્તિદીઠ કિંમત ૨૨ પાઉન્ડ રાખવામાં આવી છે. સદીઓ પહેલા ખિસકોલીનું માંસ વ્યાપક રીતે અને ખાસ કરીને ગરીબોમાં વધુ ખવાતું હતું. હવે રેસ્ટોરાંઓમાં તેણે નવેસરથી પ્રવેશ મેળવી લીધો છે.