લંડનઃ સરેસ્થિત એપ્સમના ભારતીય મૂળના ૧૫ વર્ષીય તરુણ ક્રતિન નિત્યાનંદમે અલ્ઝાઈમર્સ માટે ‘ટ્રોજન હોર્સ’ એન્ટિબોડીઝનું સંભવિત પરીક્ષણ વિકસાવ્યું છે. આના પરિણામે રોગના પ્રથમ લક્ષણો દેખાય તેના ૧૦ વર્ષ પહેલા જ તેનું નિદાન કરી શકાશે અને તેને આગળ વધતો પણ અટકાવી શકાશે.
લોહીમાં ઈન્જેક્ટ કરાનારા આ એન્ટિબોડીઝ મગજમાં જઈને રોગના પ્રાથમિક તબક્કામાં હાજર ન્યુરોટોક્સિક પ્રોટીન અને ફ્લોરોસન્ટ પાર્ટિકલ સાથે જોડાય છે, જેને બ્રેઈન સ્કેનમાં નિહાળી શકાય છે. ક્રતિને તેનું પરીક્ષણ ગૂગલ સાયન્સ ફેર પ્રાઈઝ માટે મોકલાવ્યું છે અને તે ફાઈનલ સુધી પહોંચી ગયું છે. હવે તે પ્રતિષ્ઠિત સ્કોલરશિપ જીતે છે અને તેના આઈડિયાને આગળ વધારવા કોઈ તેનો હાથ પકડે છે કે કેમ તેની જાણ આગામી મહિને થઈ જશે.
ક્રતિન નાનો હતો ત્યારથી જ પરિવાર સાથે બ્રિટન આવ્યો હતો. બાળક તરીકે તેને સાંભળવાની તકલીફ હતી અને શાળા છોડ્યા પછી મેડિસિનનો અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવે છે. તેણે કહ્યું હતું કે ‘તેનાથી લોકોની જિંદગીમાં શું ફેરફાર આવે છે તે મેં અંગત રીતે અનુભવ્યું છે અને હું પણ અન્ય લોકોના જીવનમાં તફાવત લાવવા માગું છું.’ સટન ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કરતો ક્રતિન કહે છે કે, ‘મારા નવા પ્રાથમિક સંશોધનોમાં જણાયું છે કે મારુ નિદાનાત્મક પરીક્ષણ સારવારની ગર્ભિત ક્ષમતા પણ ધરાવે છે. મારા પરીક્ષણના મુખ્ય લાભ એ છે કે રોગના ચિહ્નો દેખા દે તે પહેલા જ અલ્ઝાઈર્સ રોગનું નિદાન શક્ય બને છે.’