ભારતીય હાઇકમિશન લંડન દ્વારા લંડનની શાનદાર ગ્રવોનર હાઉસ હોટેલ ખાતે તા. ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ભારતના પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરનના ભારતીય ડાયસ્પોરા ચેમ્પીયન અને મિનીસ્ટર ફોર એમ્પલોયમેન્ટ સુશ્રી પ્રીતિ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય હાઇકમિશ્નર તરીકે પદભાર સંભાળનાર શ્રી નવતેજ સિંઘ સરનાએ સૌ પ્રથમ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.
કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી નવતેજ સિંઘ સરનાએ જણાવ્યું હતું કે "મારા માટે આનંદ સાથે ગર્વની વાત છે કે આજે અહિં ઉપસ્થિત ભારતીય અગ્રણીઅોને હું સંબોધન કરી રહ્યો છું. આજથી ૬૬ વર્ષ પહેલા ભારતીયોને તેમનું બંધારણ મળ્યું હતું. આ બંધારણ વિશ્વના રાજકારણનો સૌથી વધુ જટીલ અને જીવંત દસ્તાવેજ છે અને લાલગાટ ત્રણ વર્ષ સુધી વિવિધ અભ્યાસ અને ચર્ચા વિચારણા બાદ તેની રચના થઇ હતી. આ બંધારણમાં તમામ મુદ્દાઅોની છણાવટ કરવામાં આવી છે અને ભારતના નાગરીક ચાહે ગમે તે પ્રાંતનો હોય, ગમે તે ભાષા બોલતો હોય અને ગમે તે ધર્મ-જાતી-જ્ઞાતીનો હોય પણ તેને સમાન હક્ક આપવામાં અવ્યા છે.
શ્રી સરનાએ યુકેમાં વસતા ભારતીય સમુદાયને વધાવતા જણાવ્યું હતું કે 'ભારત અને અહિં વસતા ડાયસ્પોરા વચ્ચેના સંબંધો મજબૂત કરવા ભારતીય હાઇકમિશન વધુને વધુ મહેનત કરતું રહેશે.'
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે 'ભારત અને યુકે વચ્ચે ઘણા લાંબા સમયથી સંબંધો બંધાયેલા છે અને તેના માટે આપણો ઇતિહાસ, લોકો વચ્ચેના સંબંધો, લોકશાહી મુલ્યો અને સમાન રસ જવાબદાર છે. આ એવા સંબંધોનું જોડાણ છે જે ક્રમશ: વધતું જ રહ્યું છે. જેને અહિં વસતા ભારતીય સમુદાયના સફળ અને કૌશલ્ય ધરાવતા લોકોનો સહયોગ છે. આ અંગેનું તાજુ ઉદાહરણ વડાપ્રધાન મોદીની યુકેની મુલાકાત છે. અહિં વસતા સૌથી મોટા ભારતીય સમુદાયે બ્રિટનને અોળખ આપવામાં મહત્વની ભુમિકા ભજવી છે.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા અને સૌએ સાથે ભોજન લીધું હતું.
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી લોર્ડ ડોલર પોપટ, પ્રીતિ પટેલ અને નવતેજ સિંઘ સરના