લંડનઃ ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ભારતીય હાઈ કમિશને ૨૬મી જાન્યુઆરીએ ગ્રોવનર હાઉસ હોટલ ખાતે ખાસ સમારોહનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કોમ્યુનિટી અને બિઝનેસ જગતના અગ્રણીઓ પત્રકારો, રાજકારણીઓ સહિત ઘણાં વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાસંગિક પ્રવચનમાં ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો ‘વાસ્તવિકમાં પ્રોત્સાહનજનક રીતે’ ઉભરી રહ્યા હોવાની નોંધ લઈને યુકે ખાતેના ભારતીય હાઈ કમિશનર વાય કે સિંહાએ જણાવ્યું હતું કે બ્રિટનમાં આ વર્ષે યુકે-ભારત સાંસ્કૃતિક વર્ષની ઉજવણીનો આરંભ કરાવવા ક્વીન એલિઝાબેથ દ્વિતીય બકિંગહામ પેલેસ ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરશે.
તેમણે જણાવ્યું હતું,‘ મને આનંદ થાય છે કે વર્ષ ૨૦૧૭ યુકેમાં ભારતીય સંસ્કૃતિનું વર્ષ છે. આ વર્ષે ભારત તેની આઝાદીના ૭૦ વર્ષ પણ પૂરા કરશે. આ વર્ષે આ બન્ને યાદગાર પ્રસંગની ઉજવણી કરવામાં આવશે અને તેની શરૂઆત બકિંગહામ પેલેસ ખાતે સમારોહ યોજીને કરવાના ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિર્ણયથી અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ.’
આ ‘યાદગાર’ વર્ષ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ આગામી ફેબ્રુઆરીના અંતમાં યોજાવાની શક્યતા છે. તેની તારીખની સત્તાવાર જાહેરાત થોડા સપ્તાહમાં થવાની અપેક્ષા છે.
તેમણે ઉમેર્યું હતું,‘ ભારત-યુકે સંબંધ ક્યારેય આટલા સારા ન હતા. તે હવે ખરેખર રોમાંચક અને પ્રોત્સાહક સ્તરે પહોંચી ગયા છે. ખાસ કરીને આ વર્ષનો એજન્ડા ખૂબ પડકારજનક અને રોમાંચસભર લાગે છે.’
ગત વર્ષે થયેલા $૧૪ બિલિયનના માલસામાનના દ્વિપક્ષીય વ્યાપાર અને સર્વિસીસમાં $૫.૩ બિલિયનના વ્યાપારને માત્ર ‘હિમશીલાના ટોચકા’ સમાન ગણાવતા તેમણે ઉમેર્યું હતું ,‘ યુકે ઈયુથી બહાર નીકળી રહ્યું છે, હું માનું છું કે ભારત અને યુકેએ આપણા આર્થિક સંબંધને મજબૂત બનાવવામાં ફરી કામે લાગવું જોઈએ.
યુકેના મિનિસ્ટર ફોર ક્લાઈમેટ ચેન્જ નીક હર્ડ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. તેમણે યુકે ખાતે ભારતના નવા હાઈ કમિશનર તરીકે વાય કે સિંહાની થયેલી નિમણુકને આવકારતા તેમને અનુભવી અને સિનિયર રાજદૂત ગણાવ્યા હતા.
નીક હર્ડે જણાવ્યું હતું,‘પ્રજાસત્તાક દિવસ ભારતના ઈતિહાસમાં યાદગાર ટર્નિંગ પોઈન્ટનું સૂચન કરે છે અને આજે આપણે તે સમૃદ્ધ લોકશાહીની ઉજવણી કરી રહ્યા છીએ. આપણી સરકારો વચ્ચેના લાંબા ગાળાના સંબંધની ઉજવણી કરવાની પણ આ એક તક છે.’
તેમણે ઉમેર્યું હતું,‘ આ સંબંધોના કેન્દ્રસ્થાને આપણા નાગરિકોના એકબીજા સાથેના સંબંધો છે અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો તે ‘જીવંત સેતુ’ છે જે બન્ને દેશને સાંકળે છે. યુકે - ભારત સંબંધને ગાઢ બનાવવામાં ભારતીય સમુદાય મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણા સહજ સંબંધોને સુદ્રઢ બનાવવા અને તેને કાયમી ભાગીદારી બનાવવા આપણે પ્રતિબદ્ધ છીએ.’
આ પ્રસંગે ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો.
સાંજે યોજાયેલા આ કાર્યક્રમ અગાઉ ૨૬ જાન્યુઆરીએ સવારે હાઈ કમિશનરે લંડનમાં ઈન્ડિયા હાઉસ ખાતે ધ્વજવંદન કરાવ્યું હતું અને ભારતના રાષ્ટ્રપતિએ પાઠવેલો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના શિક્ષણ પ્રધાન કુંવર વિજય શાહ ઉપરાંત હાઈ કમિશન કચેરીના કર્મચારીઓ અને ભારતીય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.