લંડનઃ ભારતીય હાઈ કમિશન દ્વારા ગ્રોવનર હાઉસમાં પાર્ક લેન ખાતે ભારતીય ડાયસ્પોરા સાથે મંગળવાર ૨૭ જાન્યુઆરીએ વાર્ષિક પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં રાજકારણીઓ, બિઝનેસમેન્સ, સંસ્થાકીય અને કોમ્યુનિટી નેતાઓ, પ્રોફેશનલ્સ, પત્રકારો અને પ્રખ્યાત ફિલ્મ અભિનેતા કબીર બેદી સહિત ભારતીય અને બ્રિટિશ સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના હાઈ કમિશનર રંજન મથાઈ, તેમના પત્ની ગીતા મથાઈ, ડેપ્યુટી હાઈ કમિશનર ડો. વિરેન્દર પોલ અને તેમના પત્ની રાચેલ પોલે હોલના પ્રવેશદ્વારે ઉભાં રહી પ્રત્યેક મહેમાનનું સ્વાગત કર્યું હતું. બ્રિટિશ અને ભારતીય રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો અને તે પછી કલાકારોએ ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતા પરફોર્મન્સ કર્યા હતા.
હાઈ કમિશનર રંજન મથાઈએ મહેમાનોને આવકારી ભારતના રાષ્ટ્રપતિના ઉદબોધનના સંદર્ભે ભારત વિશે જણાવ્યું હતું. આ પછી, ટ્રેઝરીના એક્સચેકર સેક્રેટરી અને વડાપ્રધાન ડેવિડ કેમરનના ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન તેમ જ સાંસદ પ્રીતિ પટેલે સંબોધન કર્યું હતું. તેમણે ભારત અને બ્રિટન વચ્ચેના દીર્ઘકાલીન સંબંધોની સાથોસાથ બ્રિટિશ સરકારના રોકાણો તેમ જ દ્વિપક્ષી સંબંધો, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં પ્રોત્સાહનની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ વર્ષે આપણા વડા પ્રધાને પ્રાઈમ મિનિસ્ટર મોદીને યુકેની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે અને હું જાણું છું કે અહીંના ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરાશે. લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું સૂચિત અનાવરણ આપણા બન્ને દેશો અને સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ રણકાર સર્જશે. પાર્લામેન્ટ સ્ક્વેરમાં સન્માનિત પ્રથમ ભારતીયની પ્રતિમા મૂકાશે, જે વડા પ્રધાન ન હતા કે પ્રમુખ પણ ન હતા. ડાયસ્પોરા કોમ્યુનિટીના ઘણા લોકોએ આ પ્રોજેક્ટમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. હું તેમની મદદ અને ઉદારતાનો આભાર માનું છું.’
રાગાસાન દ્વારા વ્યવસ્થા કરાયેલા ભારતીય ભોજનના રસાસ્વાદ સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું.