લંડન, ઈન્દોરઃ બ્રિટન આવતા કુશળ ભારતીય વર્કર્સ માટે વિઝા નિયમો હળવા કરવા ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે વડા પ્રધાન થેરેસા મેને હાકલ કરી છે. ભારતીય બિઝનેસીસ અને એન્ટ્રેપ્રીન્યોર્સ સાથે લંડનમાં ટેક કંપનીઓમાં રોકાણ કરવાની ચર્ચા માટે તેઓ દિલ્હીની મુલાકાતે છે.
રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે,‘બ્રેક્ઝિટ પછી તો લંડન અને સમગ્ર બ્રિટનની કંપનીઓએ તેમના વિકાસ તેમજ નોકરીઓના સર્જન અને સમૃદ્ધિ માટે જરૂરી વૈશ્વિક પ્રતિભાની સુવિધા મેળવવી અગાઉ કરતા વધુ મહત્ત્વપૂર્ણ બન્યું છે. જો આપણે બ્રેક્ઝિટ દ્વારા પ્રાપ્ત તકોનો લાભ લેવો હોય તો ભારત સહિત વિશ્વના ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વર્કર્સ બ્રિટિશ કંપનીઓમાં કામ કરવા આવે તે માટે વધુ ખુલ્લાં થવું પડશે.’
તેમણે કહ્યું હતું કે,‘આપણે ચોક્કસપણે લંડનવાસીઓના કૌશલ્યને સુધારવા ટ્રેનિંગ આપવી જ પડશે પરંતુ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ટેકનોલોજીના સેક્ટરોમાં લંડનને સર્વશ્રેષ્ઠ બ્રિટિશ અને વૈશ્વિક પ્રતિભા-કૌશલ્યનો લાભ હંમેશાં મળ્યો જ છે. સ્કિલ્સનો લાભ ન મળે તો વિકાસ હાંસલ થશે નહિ, નોકરીઓનું સર્જન નહિ થાય અને બ્રિટન જેટલા હોવું જોઈએ તેનાથી ઓછું સમૃદ્ધ રહેશે. બ્રેક્ઝિટની આર્થિક અસરો હળવી બનાવવા, વધુ નોકરીઓના સર્જન અને બ્રિટનમાં સમૃદ્ધ લાવવા વડા પ્રધાને આ કરવું જોઈએ.’
ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ મેયરની પ્રમોશનલ કંપની લંડન એન્ડ પાર્ટનર્સના અધ્યક્ષ પણ છે અને અત્યારે ચાવીરુપ ભારતીયોને મળવા તેમજ લંડન રોકાણો, વેપાર અને પ્રતિભાને આવકારવા ખુલ્લું હોવાના સંદેશાને મજબૂતાઈથી પ્રસરાવવા ભારતમાં ઈન્દોર, દિલ્હી, મુંબઈની સાત દિવસની મુલાકાતે છે.