ભારતીયોના મતના સહારે કેમરન ફરી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં

- રુપાંજના દત્તા Tuesday 26th May 2015 15:11 EDT
 
 

આશરે દસ લાખ વંશીય લઘુમતી અને ખાસ કરીને ભારતીય મતોએ ડેવિડ કેમરનને ફરી એક વાર ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર નિવાસે પહોંચાડ્યા છે. ભૂતકાળમાં જે મતજૂથ સાથે ટોરી પાર્ટી સંપર્ક સાધી શકી ન હતી તેની પાસેથી સૌથી વધુ મત હિસ્સો મેળવવામાં તેને સફળતા મળી છે. ધ બ્રિટિશ ફ્યુચર પોલ અનુસાર હિન્દુઓના ૪૯ ટકા મત કન્ઝર્વેટિવ પાર્ટીને જ્યારે ૪૧ ટકા મત લેબર પાર્ટીને ગયા છે. હિન્દુ અને શીખ મતદારોને નિશાન બનાવવાની કન્ઝર્વેટિવ રણનીતિ તેને સત્તા પર લાવવામાં મદદરૂપ બની છે.

ડેવિડ કેમરનની હિન્દુ મંદિરો અને શીખ ગુરુદ્વારાની અવાર નવાર મુલાકાતો તેમજ દેશને નજીકના ભવિષ્યમાં એશિયન મૂળના પ્રથમ વડા પ્રધાન આપવાના તેમના વચનોએ મબલખ મતોનો પાક લણી આપ્યો છે. તેમણે એવું પણ વચન આપ્યું હતું કે જો તેઓ પુનઃ વડા પ્રધાન બનશે તો દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત અવશ્ય લેશે. બ્રિટનને વધુ સારા બનવું હોય તો હિન્દુઇઝમમાંથી પ્રેરણા લેવી પડશે. તેમ પણ કેમરને કહ્યું હતું. બીજી તરફ સામન્થા કેમરને પણ સુંદર સાડીઓ, સલવાર કમીઝના સંગ્રહો અને નોંધપાત્ર વસ્ત્ર પરિધાન કળાથી પોતાના પતિના લક્ષ્યમાં સાથ આપ્યો હતો.

આ ઉપરાંત પોતાના નિવાસસ્થાને વડા પ્રધાન દ્વારા વૈશાખી, ઈદ અને દિવાળીઓની પાર્ટીઓમાં કોમ્યુનિટીના લોકો મોટા પાયે હાજર રહેતા થયા હતા. આના પરિણામે સમગ્ર દેશમાં ભારતીય સમુદાયમાં કેમરનની લોકપ્રિયતા વધારવામાં ભારે મદદ મળી હતી. કન્ઝર્વેટિવ પ્રેસ ટીમે પણ અશ્વેત અને વંશીય લઘુમતી (BME) સમુદાય સાથે જીવંત કોમ્યુનિકેશન રાખવાની વિશેષ કાળજી રાખી હતી. જે ગત ચૂંટણીમાં લેબર પાર્ટી હાંસલ કરી શકી ન હતી. બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ કહ્યું હતું કે અગાઉની સરખામણીએ વંશીય લઘુમતી મતો અંકે કરી લેવા વધુ સરળ બન્યા હોવાનું આ સંશોધનથી જોવા મળે છે. કન્ઝર્વેટિવની સરખામણીએ લઘુમતી મતદારો આજે પણ લેબર પાર્ટીને વધુ પસંદ કરે છે. પરંતુ એક વખતે લેબર પાર્ટીએ મતદારોને જકડી રાખ્યા હતા. તે હવે રહ્યું નથી.

૧૦ મતદારમાંથી એક મતદાર નોન-વ્હાઇટ છે. ત્યારે હાઉસ ઓફ કોમન્સ પણ હવે વૈવિધ્યતાની વાસ્તવિકતા દર્શાવી રહ્યું છે. મે ૨૦૧૫ની ચૂંટણી પછી હાઉસ ઓફ કોમન્સમાં ૪૧ની વિક્રમજનક સંખ્યામાં વંશીય લઘુમતી સાંસદો ચૂંટાઈ આવ્યા છે. જે ૨૦૧૦માં માત્ર ૨૭ સાંસદ હતા.

કેનેડિયન ઇમિગ્રેશન મિનિસ્ટર જેસન કિની દ્વારા ગયા વર્ષે લંડન્સ પોલિસી એક્ષચેન્જ થીંક ટેન્કમાં નોન-વ્હાઈટ મતદારોને જીતવાની યોજના મૂકવામાં આવી હતી. આ થીંક ટેન્ક બ્રિટિશ કન્ઝર્વેટિવ્સ માટે વૈચારિક પ્રયોગશાળા છે. કિની યોજનામાં બે પગલાં હતાં. પ્રથમ તો મૂલ્યો વિશે વાત કરવી. કન્ઝર્વેટિવ્સ લાંબા સમયથી તેમના મૂલ્યો એશિયન મૂલ્યોની સાથે સમાનતા ધરાવે છે. તેનાં પર ભાર મૂકતાં આવ્યા હતાં અને બીજી બાબત સંપર્કની હતી આ મતદારોનો વિશ્વાસ જીતવો અને તેને સમજવાનો એક માત્ર માર્ગ તેમની સાથે નિયમિત અને વારંવાર વાતચીત કરવાનો હતો. કેમરનના કન્ઝર્વેટિવ્સે કિની યોજનાને હૃદયસરસી ચાંપી લીધી હતી.

જોકે સર્વે અનુસાર લેબર પાર્ટી બાવન ટકા લઘુમતી મતદારો સાથે આજે પણ આગળ છે. જોકે નોંધનીય બાબત એ છે કે બંને મુખ્ય પક્ષો વચ્ચેની ખાઈ ઘટી રહી છે. આ વર્ષે ૩૦ લાખ નોન-વ્હાઈટ મતદારોના ૩૩ ટકાએ કન્ઝર્વેટિવ્સની તરફેણ કરી છે. જે ચૂંટણી અગાઉ આગાહી કરાયેલા ૨૪ ટકા કરતાં પણ જોરદાર ઝોક હતો. પરંપરાગત રીતે ટોરીઝ લેબર પાર્ટીની સામે રમતમાં હારી જ ગયા હતા. પરંતુ હવે પૂરાવા દર્શાવે છે કે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આમ છતાં આ ચૂંટણી એવી છે જ્યાં કન્ઝર્વેટિવ પાર્ટી સમગ્રતયા વંશીય લઘુમતી સમુદાયનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગઈ છે. હજી ઘણુ કાર્ય કરવાનું છે અને ઘણા નિર્ણયો લેવાના છે. ઇપ્સોસ મોરી દ્વારા મોટા અભિપ્રાય મતદાનમાં લેબર પાર્ટીના ૬૫ ટકા વંશીય લઘુમતી મત સામે ટોરીઝને માત્ર ૨૩ ટકા મત મળે છે.

બ્રિટનમાં ભારતીયો રોજગાર સર્જનમાં બીજા ક્રમે

લંડન એન્ડ પાર્ટનર્સ દ્વારા તાજા ડેટા અનુસાર ભારતીયો ૨૦૧૫માં લંડનમાં બીજા ક્રમના સૌથી મોટા રોજગાર સર્જક બની ગયા છે. ભારતીય કંપનીઓએ આ વર્ષે માત્ર લંડનમાં જ ૫૦૪ નવી નોકરીઓ સર્જી છે. જે અમેરિકન્સ દ્વારા સર્જાયેલી ૧૯૮૩ નોકરી કરતાં બીજા ક્રમે છે. યુકેમાં ભારે રોકાણ કરી રહેલા ચીને પણ અત્યાર સુધી માત્ર ૨૭૭ નોકરીઓનું સર્જન કર્યું છે. ભારતીય કંપનીઓ દ્વારા લંડનવાસીઓ માટે દર વર્ષે રોજગારી સર્જન વધતું જાય છે. ભારતે ૨૦૧૨માં લંડનમાં ૪૦૪ નોકરીઓ સર્જી હતી. જે ૨૦૧૩માં ૪૨૯ અને ૨૦૧૪માં ૪૩૮ થઈ હતી. ૨૦૧૪માં લગભગ ૫૦૦૦ નોકરીઓ સાથે વિક્રમજનક ૨૭૦ કંપનીઓ સ્થપાઈ હતી અથવા વિકાસ પામી હતી.

નવી કંપનીઓના સંબંધ છે ત્યાં સુધી ૨૦૧૫માં લંડનમાં ૨૮ નવી ભારતીય કંપનીઓ સ્થપાઈ હતી જે ચીનની સરખામણીએ ૪ વધુ છે અને અમેરિકા કરતાં બીજા સ્થાને છે.

બ્રિટનની લઘુમતીને અસર કરતાં પરીબળો

કેનેડાના લઘુમતીઓ તેમના શ્વેત સમકક્ષોની સરખામણીએ વધુ શિક્ષિત અને વ્યાવસાયિક રીતે વધુ સફળ છે. બ્રિટનમાં આ બાબત અંશતઃ સાચી છે સાંસદ ડેટા અનુસાર ચાઈનીઝ મૂળના ૪૩ ટકા અને ભારતીય મૂળ ૪૨ ટકા પાસે ડિગ્રી છે જે માત્ર ૨૬ ટકા વ્હાઈટ બ્રિટિશ પાસે છે. સાજીદ જાવિદ અને પ્રિતી પટેલ જેવા નેતાઓને એક આદર્શ ગણવામાં છે. તેમની યાત્રાઓ અસાધારણ છે પરંતુ કન્ઝર્વેટિવ્સે એવા દિવસ માટે કામ કરવું પડશે જ્યારે આવી યાત્રાઓ નોંધપાત્ર બની ન રહે પરંતુ ઉચ્ચ હોદ્દાઓ પરના ઘણા એશિયનો માટે સામાન્ય બની રહે.

સાચી રણનીતિ કોઈ પણ હોય બ્રિટનની ડેમોગ્રાફી ઝડપથી બદલાઈ રહી છે. પોલિસી એક્ષચેન્જનો અન્ય રિપોર્ટ કહે છે કે વંશીય લઘુમતી વસ્તી ૨૦૧૫માં આશરે ૧૫ ટકા છે તે વધીને ૨૦૫૦માં ૩૦ ટકા જેટલી થઈ શકે છે. આ પોલીસી લેખન વર્તમાન કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ ફંડ મેનેજરમાંથી વિચારક બનેલા ઋષી સુનાક દ્વારા કરાયું છે તે બેંગ્લોર સ્થિત ઇન્ફોસિસના સ્થાપક અને ભારતીય ઉદ્યોગપતિ એન. આર. નારાયણમૂર્તિના જમાઈ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter