ભારુલતા કાંબલેનાં યુકેથી ભારત સુધીના કારપ્રવાસને ભવ્ય વિદાય

Tuesday 30th August 2016 14:47 EDT
 
 

લંડનઃ શ્રીમતી ભારુલતા કાંબલેના યુકેના લુટનથી ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મહાડ સુધીના ‘ગિફ્ટ-ઓફ લાઈફ-ડ્રાઈવ’ કારપ્રવાસને રવિવાર ૨૮ ઓગસ્ટે ભાવભરી વિદાય આપવામાં આવી હતી. મિસિસ ભારુલતા કાંબલે એકલાં જ ૭૫ દિવસમાં ૨૮ દેશને આવરી લેતા ૩૧,૦૦૦થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરવાનું આયોજન ધરાવે છે. જો તેઓ સફળ થશે તો આ રીતે આંતરખંડીય કારપ્રવાસ કરનારા પ્રથમ મહિલા બનશે. તેમના પ્રવાસમાં ૫,૫૦૦ કિ.મી. પર્વતાળ પ્રદેશ અને ૨,૫૦૦ કિ.મી.ના રણપ્રદેશનો સમાવેશ થશે. તેઓ ઈમ્ફાલની પૂર્વીય સરહદેથી ભારતમાં પ્રવેશ કરશે અને ગુજરાત, રાજસ્થાન થઈને મહારાષ્ટ્ર પહોંચશે.

તેઓ ભારતના ગરીબ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબો અને કચડાયેલા વર્ગ માટે તબીબી કાળજી ભંડોળ એકત્ર કરવા તેમજ સ્ત્રી ભ્રૂણને બચાવવા, મહિલા સશક્તિકરણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે આ પ્રવાસ કરી રહ્યાં છે. ભારુલતા કાંબલે દરરોજ સરેરાશ ૭૦૦ કિ.મી.નો પ્રવાસ કરશે, જ્યારે પર્વતાળ પ્રદેશમાં દિવસના ૫૦૦ કિ.મી. કાપશે. આ ઉપરાંત, તેઓ આર્ક્ટિક સર્કલની ઉત્તરે ૭૦૮ કિ.મી.નો પ્રવાસ કરી નવો વિક્રમ નોંધાવશે.

વિવિધ કોમ્યુનિટી અને ધાર્મિક અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક રાજકારણીઓ, સાંસદો અને હાઉસ ઓફ લોર્ડ્ઝના ઉમરાવો તેમજ સમર્થકો અને શુભેચ્છકો સહિતના લોકોની હાજરીમાં લુટન ટાઉન ઈન્ડિયન્સ ક્રિકેટ ક્લબ ખાતે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી. આ સમારંભમાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, વુલ્વરહેમ્પટન, ઓક્સફર્ડ, બ્રાઈટન, બેડફોર્ડ, માન્ચેસ્ટર, રગ્બી અને લેસ્ટરથી શુભેચ્છકો આવી પહોંચ્યા હતા. મહેમાનો માટે શીખ ખાલસા લંગર એઈડ દ્વારા નિઃશુલ્ક ફૂડ સ્ટોલનું આયોજન કરાયું હતું. આ સુંદર વ્યવસ્થા માટે સાંસદ વિરેન્દર શર્માએ તેમનો આભાર માન્યો હતો.

પંડિત રવિ ભૂષણજી દ્વારા હિન્દુ પ્રાર્થના સાથે પરંપરાગત પૂજા કરવામાં આવી હતી. પંડિતજીએ ભારુલતા અને ડો. સુબોધને આશીર્વાદ પાઠવ્યા હતા. ડો. ચિત્રા રામ કૃષ્ણન દ્વારા કોમ્પીઅરિંગ સાથે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ShrutiUKના વિદ્યાર્થીઓએ ભરતનાટ્યમ નૃત્યની રજૂઆત કરી હતી, જ્યારે બ્રિટિશ કર્ણાટિક કોઈરની બે યુવતીએ વાયોલિન વાદન કર્યું હતું.

મિસિસ ભારુલતા કાંબલેએ સાંસદ વિરેન્દર શર્મા, લુટનના મેયર કાઉન્સિલર તાહિર ખાન, લુટનના સાંસદ કેલ્વિન હોપકિન્સ સહિત તેમને ટેકો આપનારા તમામ શુભેચ્છકોનો આબાર માન્યો હતો. બેરોનેસ સંદીપ વર્માએ તેમને શુભેચ્છા આપી હતી. ભારત અને યુકેના ધ્વજો લહેરાવી ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓ સાથે તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter