લંડનઃ નીસડનના મકાનને ગેરકાયદે પાંચ સબસ્ટાન્ડર્ડ ફ્લેટ્સમાં ફેરવી ભાડે આપવા બદલ કેન્સાલ રાઈઝના ખીમજી રામજી પટેલ અને તેમના પુત્ર નારણ ખેતાનીએ £૬,૦૦૦- £૬,૦૦૦નો દંડ અને કાઉન્સિલની કોસ્ટ માટે £૬૧૩ ચૂકવવાનો આદેશ વીલ્સડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે કર્યો છે. મકાનમાલિક પિતા-પુત્રે બ્રેન્ટ કાઉન્સિલ પાસેથી પ્લાનિંગ પરમીશન મેળવી ન હતી.
મોર્ટિમેર રોડ ખાતેના રહેવાસી ખીમજી પટેલ અને પુત્ર નારણ ખેતાનીએ પ્રાઉટ ગ્રોવસ્થિત પ્રોપર્ટી પર ગેરકાયદે ફ્લેટ્સના નિર્માણ ઉપરાંત, પાછળના બગીચામાં એક માળનું વિસ્તરણ કર્યું હતું. આ તમામ બાંધકામ માટે પ્લાનિંગ અને સેફ્ટી નિયમોની ધરાર અવગણના કરવામાં આવી હતી. પિતા-પુત્રે કાઉન્સિલ દ્વારા અપાયેલી અનેક ચેતવણીઓ નજરઅંદાજ કરવા ઉપરાંત, ગેરકાયદે બાંધકામ તોડવું પડે તેવા એન્ફોર્સમેન્ટ ઓર્ડરને પણ ફગાવી દીધો હતો.
બ્રેન્ટ કાઉન્સિલમાં રીજનરેશન એન્ડ હાઉસિંગમાં અગ્રણી સભ્ય કાઉન્સિલર માર્ગારેટ મેક્લેનને જણાવ્યું હતું કે ખીમજી પટેલ અને નારણ ખેતાનીને કાઉન્સિલ તરફથી પ્લાનિંગ પરમિશન અપાઈ ન હોવા છતાં તેમણે બાંધકામ આગળ વધાર્યું જ હતું, અનેક ચેતવણીઓનો અમલ તેમણે કર્યો ન હતો. કોર્ટે આની નોંધ લઈ ગુના બદલ ભારે દંડ ફટકાર્યો હતો. પ્લાનિંગ કન્ટ્રોલનો કડક અમલ કરાવવા બ્રેન્ટ કાઉન્સિલે આ પગલું લેવું પડ્યું છે. હવે આ લોકોએ એન્ફોર્સમેન્ટ નોટિસનો અમલ કરવો જ પડશે અથવા વધુ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.