લંડનઃ અજાણ્યા મજાકિયાઓ દ્વારા ખરાબ મજાકના કારણે ગ્રેટર માન્ચેસ્ટરના ઓલ્ધામની ૨૮ વર્ષીય રહેવાસી ફિઓના ક્રેબને તેના ફ્લેટના મુખ્ય બારણાના હેન્ડલ સાથે લગભગ ચાર કલાક ફસાઈ રહેવાની નોબત આવી હતી. કલાકો પછી હેન્ડલને કાપી તેનો હાથ મુક્ત કરવામાં આવ્યો હતો. મજાકિયાઓએ બારણાના હેન્ડલ પર સુપરગ્લુ લગાવી દેતા ફિઓનાનો પંજો ચોંટી ગયો હતો. ઈમર્જન્સી સર્વિસીસને તેના મદદના કોલને પણ મજાક ગણી લેતાં આટલો લાંબો સમય તેને ફસાઈ રહેવું પડ્યું હતું.
ફિઓના ક્રેબને મુક્ત કરવા માટે પેરામેડિક્સ, ફાયરફાઈટર્સ તેમજ અકસ્માત અને ઈમર્જન્સી સ્ટાફ કામે લાગી ગયો હતો. ઈમર્જન્સી સર્વિસીસ હાથને ગ્લુમુક્ત કરવા સુબ્રિકન્ટ્સ, ઓઈલ્સ અને છેવટે કોલાનો પણ ઉપયોગ કર્યો હતો. આખરે બારણામાંથી હેન્ડલ બહાર કાઢ્યા પછી હોસ્પિટલમાં કાપી લેવાયું હતું.
ફિઓના ચોથી જૂનની રાત્રે ફ્લેટ પર પાછી આવી ત્યારે તેણે બે તરુણને ફ્લેટ્સના બ્લોક પાસેથી નાસતા જોયાં હતાં. તેણે હેન્ડલથી બારણું ખોલ્યું હતું. હેન્ડલ ચીકણું હતું છતાં તે બારણું ખોલવામાં સફળ થઈ, પરંતુ હાથનો પંજા હેન્ડલ પર ચોંટી ગયો હતો. તેણે ફ્રેન્ડ ટોનીને જગાડ્યો અને પોતાની મિત્ર સેર્ચાને પણ બોલાવી લીધી. જોકે, ફિઓના મજાક કરતી હોવાનું સેર્ચાને લાગ્યું હતું. એમ્બ્યુલન્સ સર્વિસે પણ શરુઆતમાં મદદના ફોનને મજાક માની લીધો હતો.