લંડનઃ સધર્ક ક્રાઉન કોર્ટે પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ એક્ટ, ૨૦૦૨ હેઠળ કરેલી સુનાવણીમાં ૬૧ વર્ષીય મુથાથામ્બી શ્રીસ્કન્થારાજા અને તેની ૫૦ વર્ષીય પત્ની તિલાગેશ્વરીની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ દંપતી પોતાના પરિવારની માલિકીના બ્યુરેક્સ દ ચેન્જ મારફતે મની લોન્ડરિંગની ગુનાઈત પ્રવૃત્તિમાં સંડોવાયેલું હતું.
કોર્ટે બન્નેને કુલ ૧,૨૧૮,૧૬૩ પાઉન્ડ પરત ચૂકવવા આદેશ કર્યો હતો. આ રકમ સામે મીડલસેક્સમાં આવેલું ૪૮૦,૦૦૦ પાઉન્ડની કિંમતનું મકાન, જર્મનીના સ્ટુટગાર્ટમાં ૨૦૦,૦૦૦ પાઉન્ડની પ્રોપર્ટી, હેરોડ્સ સેફ ડિપોઝીટ બોક્સમાં મૂકેલી ૮૨,૧૬૨ પાઉન્ડના મૂલ્યની જ્વેલરી, એક મર્સીડિસ કાર, યુકે, સિંગાપોર, કેનેડા અને જર્મનીમાં બેંકખાતામાં રહેલી ૫૪૨,૦૦૦ પાઉન્ડની રકમ જપ્ત કરવામાં આવી હતી. જો દંપતી ત્રણ મહિનામાં ૪૩૫,૩૭૩ પાઉન્ડ ન ચુકવે તો તેમને બન્નેને વધુ ચાર-ચાર વર્ષ જેલમાં ગાળવાના થશે.
બન્નેએ ૯૬ મિલિયન પાઉન્ડનું કાળું નાણું વ્હાઈટ કર્યું હોવાનું HMRCની તપાસમાં જણાતાં ગત ડિસેમ્બર, ૨૦૧૪માં પતિને ૧૨ અને પત્નીને ૭ વર્ષની જેલની સજા કરાઈ હતી. આ દંપતીએ ડ્રગની હેરાફેરીમાં સંકળાયેલી ગેંગના નાણાં સહિત ગુના દ્વારા મળેલી રકમની હેરાફેરી કરી હતી.
HMRCના ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સર્વિસના ડિરેક્ટર સાયમન યોર્કે જણાવ્યું હતું કે શ્રીસ્કન્થારાજાના ત્રણ બ્યુરેક્સ દ્વારા મોટાપાયે પાઉન્ડના એક્સચેન્જનું કામ ચાલતું હતું. HMRCદ્વારા તેના યુનિવર્સલ મની એક્સચેન્જ પર ૨૦૧૧માં થયેલી દરોડાની કાર્યવાહીમાં રોકડા ૧૦૦,૦૦૦ પાઉન્ડ, હેરોડ્સના બે સેફ ડિપોઝીટ બોક્સની ચાવી મળી હતી. સેફમાંથી મળેલા ૨૨૩,૦૦૦ પાઉન્ડ, ૯૦,૦૦૦ ડોલર અને ૫૦,૦૦૦ યુરોની રોકડ અને કિંમતી જ્વેલરી જપ્ત કરાઈ હતી.