લંડનઃ વેમ્બલીના ઠગારા લુઈ નોબ્રે પાસેથી રોકડનું મની લોન્ડરિંગમાં મદદ કરનારા સોલિસિટર બુદ્દિકા કાદુરાગામુવાને સધર્ક ક્રાઉન કોર્ટે એક વર્ષની જેલની સજા ફરમાવી હતી, જે છ મહિના માટે સસ્પેન્ડ રખાઈ હતી. સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટીઝ દ્વારા તેની નોંધણી રદ કરાવાનું જોખમ છે. પોર્ટુગીઝ નાગરિક લુઈ નોબ્રેએ એક શિપિંગ કંપની સાથે ૭૩ મિલિયન પાઉન્ડનું કૌભાંડ કર્યું હતું. તેને ૧૪ વર્ષની સજા કરાઈ હતી.
બાર્નેટની ૪૬ વર્ષીય સોલિસિટર બુદ્દિકા કાદુરાગામુવાએ લુઈ નોબ્રેને પોતાના બેન્ક એકાઉન્ટમાં ૧૧૧,૪૦૦ પાઉન્ડ ટ્રાન્સફર કરવા દીધાં હતાં. લુઈએ આ નાણા ડચ કંપની ઓલસીઝ ગ્રૂપ લિમિટેડ પાસેથી ખંખેર્યા હતા. લુઈએ તે પોપનો બેન્કર છે અને પોપના ખાનગી ટ્રેડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા દઈ ૧૨૦૦ ટકાનું રિટર્ન અપાવી શકશે, તેમ કંપનીને ઠસાવ્યું હતું. નોબ્રેએ એવી બડાશ હાંકી હતી કે વિશ્વમાં સૌથી મોટા ચાઈનીઝ સોવરિન ઈન્વેસ્ટમેન્ટ ફંડ માટે ટ્રિલિયન્સ ઓફ ડોલરનો ધંધો કર્યો હતો. નોબ્રે ક્રિમિનલ પ્રોપર્ટી મેળવવા, તેને ટ્રાન્સફર કરવા તેમજ ફ્રોડ સહિતના આરોપો માટે દોષિત ઠરાવાયો હતો.